જામનગર શહેરની નામાંકિત હોટલના સંચાલિકાના માતા-પિતાના બંધ બંગલામાંથી રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂપિયા 2.55 લાખના માલમતાની ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલી નાખ્યો છે. આ મામલે પોલીસે ચીખલીગર ગેંગના બે શખ્સોને ઝડપી લઈને રૂપિયા 2.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


બાતમીના આધારે એલસીબી પીઆઈ સહિતની ટીમે વોચ ગોઠવી હતી

શહેરના ખોડીયાર કોલોની, રોયલ એન્કલેવમાં રહેતા અને જી.જી.હોસ્પિટલ રોડ પર આવેલી આરામ હોટલના માલિક હિનાબેન દિપકભાઈ ભટ્ટના માતા-પિતાનું પટેલ કોલોની શેરીનં-3માં આવેલ અમૃતકુંજ બંધ બંગલામાં તસ્કરોએ લાકડાના દરવાજામાં લગાડેલું તાળુ નકુચા તોડી અંદર ઘુસીને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા 30 હજાર મળીને કુલ 2,55,000ની ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે એલસીબીએ સીસીટીવી ફુટેજ મેળવ્યા હતા અને ચોરીમાં સંડોવાયેલો શખ્સ શહેરના બેડેશ્વર ઓવરબ્રિજ નીચે રેલ્વે ફાટક પહેલા મુદ્દામાલ સાથે ઉભો હોવાની બાતમીના આધારે એલસીબી પીઆઈ સહિતની ટીમે વોચ ગોઠવી હતી અને ચીખલીગર ગેંગના મહેન્દ્રસિંહ ઉધમસિંહ સરદારજી અને બલરામસિંગ ચંદાસિંગ સરદારજીને ઝડપી લીધા હતા.

સવારના સમયે આ શખ્સો મકાનની રેકી કરતા

આ બંને આરોપી પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ 20,000, બાઈક અને બે મોબાઈલ મળીને કુલ રૂપિયા 2.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેની પુછપરછ કરતા અમદાવાદ બાવળાના હીરાસિંગ લક્ષ્મણસિંગ પટવાનું નામ ખુલતા પોલીસે તેને ફરાર જાહેર કર્યો છે. ચીખલીગર ગેંગના બે સભ્યોની દિવસ દરમ્યાન ભુંડ પકડવાના કામના બહાને શહેરો/ગ્રામ્ય વિસ્તારમાં ફરી દિવસ દરમ્યાન બંધ મકાનની રેકી કરીને રાત્રી દરમ્યાન બંધ મકાનમાં પ્રવેશી દરવાજાના તાળા તથા મકાનની ગ્રીલ તોડીને ચોરીને અંજામ આપે છે.

  • Follow us on: