ગુજરાતમાં ચોમાસાની સિઝન જામી છે છતાં વરસાદનુ જોર ઘટ્યું છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધીમાં 98 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં જૂનાગઢના માંગરોળમાં 3.54 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગરના જોડિયામાં 2.8 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો કુલ 52.46 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 61.34 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી ઓછો વરસાદ મધ્ય પૂર્વ ઝોનમાં 49.97 ટકા વરસાદ નોંધાયો છે.
જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો
આજે સવારથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. જેમાં જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જૂનાગઢ શહેરમાં 1.5 ઈંચ વરસાદ ખાબકતાં પાણી ભરાઈ ગયા હતાં. આ ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોની વાત કરીએ તો. માંગરોળમાં સૌથી વધુ 3.54 ઈંચ, વંથલીમાં એક ઈંચ, મેંદરડામાં એક ઈંચ, કેશોદમાં 1.5 ઈંચ અને માળિયામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
ગિરનાર જંગલમાં પણ ધોધમાર વરસાદ
જૂનાગઢમાં ગિરનારના જંગલમાં પણ ધોધમાર વરસાદ થયો છે. ગઈકાલે પણ જૂનાગઢના જુદાજુદા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. ભવનાથ, એમજી રોડ, રાણાવાવ ચોક અને કાળવા ચોકમાં ધોધમાર વરસાદ થયો હતો. લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થતાં લોકોને હાશકારો થયો હતો. આજે સવારે 6 વાગ્યાથી લઈને સાંજે ચાર વાગ્યા સુધીમાં 98 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે.