જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. જિલ્લામાં માળિયાની મેઘલ નદીમાં ઘોડાપૂર આવતાં માણેશ્વર શિવલિંગ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતાં મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોને પુરને કારણે એલર્ટ કરી દેવાયા છે. તંત્રએ લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના આપી છે.
ગીરનારના પગથિયા પરથી પાણીનો પ્રવાહ ધસમસી રહ્યો છે
બીજી તરફ ગીરનાર પર્વત પર ભારે વરસાદને કારણે ઝરણાં વહેતા થયાં છે. ગીરનારના પગથિયા પરથી પાણીનો પ્રવાહ ધસમસી રહ્યો છે. જેના કારણે નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. જૂનાગઢના ઘેડ પંથકમાં ધોધમાર વરસાદને કારણે મંત્રીઓ અને અધિકારીઓને હાજર થવા આદેશ કરાયો છે. અતિભારે વરસાદને કારણે તમામ અધિકારીઓને હાજર થવા આદેશ કરાયો છે. ઘેડ પંથકના લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરાઈ છે. કેશોદ મામલતદાર દ્વારા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ વરસ્યો
જૂનાગઢના માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બે કલાકમાં બે ઈંચ વરસાદ થતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. ભારે વરસાદ અને ઉપરવાસમા થયેલા વરસાદને કારણે મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યાં છે. તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા તેમજ આસપાસના વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના આપી દેવામા આવી છે. નદીમાં ઘોડાપૂર આવતા માણેશ્વર શિવલિંગ પાણીમાં ગરકાવ થઈ ગયું છે.