સાબરમતી નદી ખેડા જીલ્લામાં ઓવરફલો થઈ છે અને નદી ઓવરફ્લો થતા રસીકપુરા ગામમાં ઘૂસ્યા વરસાદી પાણી, સાબરમતી નદી ઓવરફ્લો થયાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં વધુ એકવાર સાબરમતી નદીએ બતાવ્યું રૌદ્ર સ્વરૂપ અને સાબરમતી નદી ભયાનક સ્થિતિમાં વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
ખેડામાં સાબરમતી નદી ઓવરફ્લો થતા હાલાકી
નદી ઓવરફ્લો થતા હાઈવે પર પાણી ફરી વળ્યા છે અને ખેડા ધોળકા રોડ પાણી ભરાવાના કારણે બંધ થયો છે, રસીકપુરા, પથાપુરા, નાની કલોલીમાં પાણી ઘૂસ્યા છે, રસીકપુરા પાસે પાણી ભરાતા રોડ બંધ કરાયો છે, લોકોએ પોતાના પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે, બીજી તરફ પથાપુરા ગામ જવાના રોડ પર બેરિકેડિંગ લગાવ્યા છે અને રેસ્ક્યુ માટે 10 બસ રસીકપુરા, પથાપુરામાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, SDRF તેમજ ફાયર વિભાગની ટીમ સ્ટેન્ડબાય રહેલી છે.
ખેડા જિલ્લામાં સાબરમતી નદીના જળસ્તર વધ્યા
ખેડા જિલ્લામાં સાબરમતી નદીના જળસ્તર વધ્યા છે, નાની કલોલી ગામ પાસે સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે, નાની કલોલી, પથાપુરા, રસીકપુરામાં વરસાદી પાણીને લઈ એલર્ટ અપાયું છે, ગામ અને ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે, ખેડૂતોના તૈયાર થયેલા પાકને પણ મોટુ નુકસાન થયું છે, તંત્ર દ્વારા રેસ્કયુની કામગીરી પણ કરવામાં આવશે.
સાબરમતી નદીમાં પાણી છોડાતા લોકોમાં ભય
ખેડાના રસીકપુરા સહિતના ગામમાં લોકોમાં ભય જોવા મળી રહ્યો છે, સંભવિત ખતરાને પહોંચી વળવા તંત્ર ખડેપગે છે અને રસીકપુરામાંથી 67 લોકોનું સ્થળાંતર કરાયું છે, વધુ 300 થી 400 લોકોનુ સ્થળાંતર કરાશે તેવી પણ માહિતી સામે આવી છે, સુરક્ષાના ભાગરુપે સ્થળાંતરની કામગીરી
કરાઈ રહી છે.