રાજકોટના જસદણ શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના પગલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને જસદણના લાલકા ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું હતું. બપોરના સમયે શરૂ થયેલા આ ભારે વરસાદના કારણે જસદણના ગ્રામ્ય પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.


જસદણના લાલકા ગામમાં ધોધમાર વરસાદ

આ વિસ્તારમાં લગભગ એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ભારે વરસાદના કારણે ખેતરોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા અને ચારે તરફ પાણી પાણી થઈ ગયું હતું. વરસાદની આ સ્થિતિએ ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પડેલા વરસાદને કારણે ખેતરોમાં ભરાયેલા પાણી હજુ સંપૂર્ણપણે ઓસર્યા નહોતા. ત્યાં ફરીથી ધોધમાર વરસાદ વરસતાં ખેડૂતોની મુશ્કેલી બેવડાઈ છે.

ખેડૂતોના ખેતરમાં માંડવીના પાકને નુકસાન

ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે મુખ્યત્વે મગફળી (માંડવી)ના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ઊભા પાકમાં પાણી ભરાઈ રહેવાથી મગફળીનો પાક સડી જવાની કે ગુણવત્તા બગડી જવાની સંભાવના છે. જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે. કુદરતી આફતરૂપ આ વરસાદે ખેડૂતોને ફરી એકવાર કપરી પરિસ્થિતિમાં મૂકી દીધા છે અને તેમની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો કર્યો છે.


  • Follow us on: