રાજ્યમાં હવામાનના અણધાર્યા બદલાવને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં અચાનક કમોસમી વરસાદ ખાબક્યો છે. જેને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે બપોરના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ત્યારબાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.


કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં કર્યો વધારો

ખેડૂતોએ પાક લણવાની તૈયારી કરી હોય તેવા સમયે આ કમોસમી માવઠું પડતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. જેનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાક અને લણણી કરેલા પાકોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોને ભારે નુકસાન થવાની સંભાવના છે. જે ખેડૂતો માટે માઠા પરિણામો લાવશે.

અચાનક વાતાવરણમાં આવ્યો પલટો 

વરસાદના કારણે પાક બગડી જવાની કે ગુણવત્તા બગડી જવાની શક્યતા છે. જેને કારણે ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ નહીં મળે અને આર્થિક ફટકો પડશે. કમોસમી વરસાદના કારણે ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક ધોરણે પાક નુકસાનનો સર્વે કરાવી યોગ્ય સહાય જાહેર કરવાની માગ કરી રહ્યા છે.


  • Follow us on: