તાપીના ડોલવણમાં બે કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકયો હોવાની વાત સામે આવી છે, ભારે વરસાદથી જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે, અંબિકા, ઓલણ,પૂર્ણા નદીઓ બે કાંઠે વહી રહી છે, વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની વાત પણ સામે આવી છે.
તાપીના ડોલવણમાં સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં 5.2 ઇંચ વરસાદ
તાપીના ડોલવણમાં સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં 5.2 ઇંચ વરસાદ ખાબકયો છે જેના કારણે જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે, બે કલાકમાં જ ડોલવણ તાલુકામાં 5.2 ઇંચ વરસાદ પડતાં નવસારી જિલ્લા માટે પૂરનું સંકટ ઘેરાયું છે, વાલોડ તાલુકામાં 1.36 ઇંચ વરસાદ નોંધાયો છે, જોકે હાલ વરસાદનું જોર ધીમું પડયું છે જેના કારણે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
તાપીના વ્યારામાં શાળામાં વરસાદી પાણી ભરાયા
તાપીના વ્યારામાં શાળામાં વરસાદી પાણી ભરાયા છે જેના કારણે બાળકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે, વ્યારાની શબરીધામ શાળામાં પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે, કંપાઉન્ડમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. પાણીનો યોગ્ય નિકાલ ન થતા વરસાદી પાણી હજી પણ ભરાયેલા છે.
તાપીના ઉકાઇ ડેમમાં પાણીની આવક યથાવત
તાપીના ઉકાઇ ડેમમાં પાણીની આવક યથાવત રહી છે, ઉકાઇ ડેમની જળ સપાટી 335.69 ફૂટે પહોંચી છે, ઉપરવાસમાં વરસાદને પગલે પાણીની આવક નોંધાઈ છે, ઉકાઇ ડેમમાં હાલ 45798 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, ડેમનું રૂલ લેવલ જાળવવા નદીમાં પાણી છોડાયું છે, ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલી 45798 ક્યુસેક પાણી છોડાયું છે.