તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલી શબરીધામ શાળામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળાના કમ્પાઉન્ડમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાલીઓમાં પણ ચિંતાનો માહોલ છે. વ્યારામાં થયેલા વરસાદ બાદ શબરીધામ શાળાના કમ્પાઉન્ડમાં પાણી ભરાયા હતા.


શબરીધામ શાળાના કંપાઉન્ડમાં ઘૂંટણસમા પાણી ભરાતા હાલાકી

આ પાણી ભરાવાનું મુખ્ય કારણ વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાનો અભાવ છે. કમ્પાઉન્ડના એક ભાગમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઘટનાની જાણ થતા જ વ્યારા નગરપાલિકાનું તંત્ર સક્રિય થયું હતું. પાલિકા દ્વારા શાળાના કમ્પાઉન્ડમાંથી પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

વ્યારા નગરપાલિકા તંત્ર કામગીરીમાં જોતરાયું

જોકે આ સમસ્યા માત્ર એક દિવસની નથી. ભૂતકાળમાં પણ વરસાદ દરમિયાન આ શાળામાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. વાલીઓએ પણ પાલિકા અને શાળા સંચાલકોને વિનંતી કરી છે કે ભવિષ્યમાં આ પ્રકારની સમસ્યા ન થાય તે માટે કાયમી ઉકેલ લાવવામાં આવે.


  • Follow us on: