તાપી જિલ્લામાં આવેલા ઉકાઈ ડેમમાંથી ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાં પાણીની સતત આવક વધતા સપાટી રૂલ લેવલની નજીક પહોંચી ગઈ હતી. જેના કારણે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલ ડેમમાં 1,42,677 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને જળ સપાટી 334.71 ફૂટ પર પહોંચી ગઈ છે. જે ડેમના રૂલ લેવલ 335 ફૂટની અત્યંત નજીક છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.
ડેમમાં 142677 ક્યુસેક પાણીની આવક
પાણીની આવકને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ડેમના 22 દરવાજા પૈકી 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. તેમાંથી 8 દરવાજા 5 ફૂટ સુધી અને 1 દરવાજો 4 ફૂટ સુધી ખોલીને તાપી નદીમાં 99,416 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આટલા મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા તાપી નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ પાણી છોડવાના કારણે તાપી નદીના પટમાં પાણીની સપાટીમાં વધારો થશે. જેના કારણે કિનારાના વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાવાની શક્યતા વધી છે.
ડેમના 22 દરવાજા પૈકી 9 દરવાજા ખોલાયા
તંત્ર દ્વારા આ વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસી જવા અને નદી કિનારે ન જવા માટે સૂચના આપવામાં આવી હતી. આ પગલું કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે લેવામાં આવ્યું છે. ઉકાઈ ડેમ ગુજરાતના સૌથી મોટા ડેમ પૈકીનો એક છે અને દક્ષિણ ગુજરાત માટે તે જીવાદોરી સમાન છે. ડેમમાં પૂરતું પાણી આવતા આ વર્ષે પીવાના પાણી અને સિંચાઈ માટે કોઈ મુશ્કેલી નહીં પડે તેવી આશા છે. પરંતુ વધારાનું પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવી અનિવાર્ય છે.