હવામાન વિભાગની આગાહીના પગલે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વાતાવરણમાં એકાએક મોટો પલટો આવ્યો છે. તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. કરજણ તાલુકાના વેમારડી, ધાવટ, કંડારી અને બામણગામ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના આગમનને કારણે લાંબા સમયથી પ્રવર્તી રહેલા ગરમી અને બફારામાંથી લોકોને આંશિક રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.


કમોસમી વરસાદને લઈ ખેડૂતોની ચિંતા વધી

જોકે આ કમોસમી વરસાદ ખેડૂતો માટે માઠા સમાચાર લઈને આવ્યો છે. હાલમાં ખેતરોમાં ખરીફ પાકો ખાસ કરીને કપાસનો પાક તૈયાર થઈ ગયો છે અને કેટલાક ખેડૂતોએ તો કપાસ વીણવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે. આ સમયે અણધાર્યો વરસાદ પડવાથી કપાસના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. કપાસનો પાક પલળી જવાથી તેની ગુણવત્તા બગડે છે અને ઉત્પાદન પર નકારાત્મક અસર થાય છે.

કપાસના પાકને નુકસાનની ભીતિ સેવતા ખેડૂતો

જેનાથી ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે તેમ છે. અન્ય પાકોની લણણી પણ શરૂ થઈ ગઈ હોવાથી ખેડૂતોને તૈયાર પાકને બચાવવાની દોડધામ કરવી પડી રહી છે. વરસાદની આગાહી હજી પણ યથાવત હોવાથી ખેડૂતોએ સરકાર સમક્ષ માગણી કરી છે કે જો વરસાદથી પાકને નુકસાન થાય તો તેનું તાત્કાલિક સર્વેક્ષણ કરીને તેમને યોગ્ય સહાય પૂરી પાડવામાં આવે.


  • Follow us on: