વલસાડ જિલ્લામાં ગત મોડી રાત્રે મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. અતિભારે વરસાદને કારણે ઓરંગા, વાંકી અને દમણગંગા જેવી મુખ્ય નદીઓમાં પાણીની આવકમાં ભારે વધારો થયો છે.નદીઓમાં પાણીની સપાટી ભયજનક સપાટીની નજીક પહોંચી જતાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. નદીઓનું પાણી આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યું છે, જેના કારણે ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ
આ ભારે વરસાદની સૌથી મોટી અસર વાહનવ્યવહાર પર જોવા મળી છે. જિલ્લા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે 16 જેટલા મુખ્ય રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. આ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે વાહનોનું પસાર થવું જોખમી બન્યું છે. રસ્તાઓ બંધ થતાં સામાન્ય નાગરિકોની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે. જે મુસાફરોને આ રસ્તાઓનો ઉપયોગ કરવો પડે છે, તેમને હવે ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે 10 થી 15 કિલોમીટરનું વધારાનું અંતર કાપવાની ફરજ પડી રહી છે. આના કારણે સમય અને ઈંધણ બંનેનો બગાડ થઈ રહ્યો છે.













