હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ, દ્વારકા, પોરબંદરમાં વરસાદને લઈ યલો એલર્ટ અપાયું છે, જુનાગઢ, રાજકોટ, અમરેલીમાં યલો એર્લટ જાહેર કરવામાં આવ્યું છે, ગીર સોમનાથમાં પણ યલો એલર્ટ અપાયું છે, તેમજ 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.
અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો ગાંધીનગર, પંચમહાલ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, વલસાડ, ભરૂચ, સુરત અને તાપીમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના રહેલી છે.
ગુજરાતમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 115 ટકા નોંધાયો, સૌથી વધુ કચ્છમાં 140.23 ટકા સરેરાશ વરસાદ
રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 115 ટકા નોંધાયો છે, સૌથી વધુ કચ્છમાં 140.23 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે, નર્મદા ડેમ 97.32 ટકા તેમજ અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 95.10 ટકા જેટલા ભરાયા છે.
સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે ૧૪૬ ડેમ હાઇ એલર્ટ, ૧૭ ડેમ એલર્ટ અને ૧૪ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે
તા. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે ૬:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૧૫.૧૦ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ ૧૪૦.૨૩ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૨૦.૧૯ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૧૫.૫૭ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૨૧.૭૨ ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં ૧૦૧.૯૬ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આવેલ નર્મદા ડેમ ૯૭.૩૨ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૯૫.૧૦ ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે ૧૪૬ ડેમ હાઇ એલર્ટ, ૧૭ ડેમ એલર્ટ અને ૧૪ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.
માછીમારોને 02 ઓકટોબર 2025 સુધી દરિયો ન ખેડવા ચેતવણી
રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તા. ૦૧ જૂન, ૨૦૨૫ થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા 15,971 નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ 1351 નગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. વધુમાં, ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. 02 ઓકટોબર 2025 સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.