ગુજરાતમાં 20 થી 22 ઓક્ટોબર દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે અને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, નવેમ્બર મહિનાની શરૂઆતમાં ઠંડી જોર પકડવાનું શરૂ કરશે અને ઠંડીનો અહેસાસ શહેરીજનો કરશે.
ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે
ગુજરાતમાં ચાલુ વર્ષે જે પ્રકારે ચોમાસુ સિઝનના છેલ્લા ચરણમાં વરસાદે પડબડાટી બોલાવી હતી એ જ રીતે શિયાળાનું પણ વહેલું આગમન થાય એવા એંધાણ દેખાઈ રહ્યા છે. અત્યારથી જ રાજ્યમાં મોડી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીની શરૂઆત થવા લાગી છે. વર્ષો પહેલા દિવાળી સમયથી જ ઠંડીની શરૂઆત થતી હતી, તે સમય ફરી આવ્યો હોય તેવું લોકો અનુભવી રહ્યા છે. શહેરમાં દિવસ અને રાત્રીના તાપમાન વચ્ચે 10 ડિગ્રી જેટલો તફાવત રહેતા બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.
ગત વર્ષની સરખામણીએ આ વખતે લઘુતમ તાપમાન 5 ડિગ્રી જેટલું નીચું નોંધાઈ રહ્યું છે
દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે. મહત્ત્વની વાત એ છે કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઠંડીનો ચમકારો વહેલો આવી ગયો છે. ગત વર્ષે આ સમયે રાત્રે પણ ગરમીનો વર્તારો રહેતો હતો. હવામાન વિભાગે પણ ચોમાસું ગયુ તેવી સત્તાવાર જાહેરાત કરી છે, ગુજરાતમાં ચોમાસું ગયું છે તેમજ ભારતના અન્ય રાજયોમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, આગામી 7 દિવસ ગુજરાતમાં વાતાવરણ વાદળછાયું રહેશે પણ વરસાદની કોઈ આગાહી કરાઈ નથી, અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આગામી સાત દિવસ રાજ્યના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહી.
ઉત્તરીય ભાગમાં પહાડી વિસ્તારમાં બરફવર્ષા થઇ રહી છે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં ઠંડી વધી તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે છે. અત્યારે દેશના ઉત્તરીય ભાગમાં ભૂસ્ખલન અને હિમવર્ષા જોવા મળી રહી છે. ઉત્તરીય ભાગમાં પહાડી વિસ્તારમાં બરફવર્ષા થઇ રહી છે. ઉત્તરભાગ તરફથી આવતા ઠંડા પવનોને લીધે અત્યારે ગુજરાત સહિતના રાજ્યોમાં પણ તાપમાનનો પારો ગગડયો છે. ગુજરાતમાં હજુ પણ કેટલાક સ્થાનો પર છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઠંડીની શરૂઆત થતા લોકો બેવડી સિઝનનો અનુભવ કરી રહ્યા છે.
આ રાજ્યોમાં ચોમાસાની વિદાય
ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. લક્ષદ્વીપમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મધ્યમ વરસાદની સંભાવના છે. આસામ અને મેઘાલય, દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ અને માહે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, રાયલસીમા, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પશ્ચિમ-મધ્ય અને ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્રના માછીમારોને ઊંચા મોજા અને જોરદાર પવનના જોખમને કારણે સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે.