ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ જળાશયોમાં પાણીની આવક વધતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.હાલની સ્થિતિએ રાજ્યના 11 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.જ્યારે 3 ડેમ માટે એલર્ટ અને અન્ય 11 ડેમ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે.જળાશયોની વિગતવાર સ્થિતિ જોતા રાજ્યના 5 ડેમમાં પાણીનો જથ્થો 100 ટકાથી પણ વધી ગયો છે.જ્યારે 17 ડેમમાં 70 ટકા કરતા વધુ પાણીનો સંગ્રહ થયો છે.રાજ્યના કુલ 206 ડેમોમાં હાલ 2,25,126 MCFT પાણી જમા છે જે કુલ સંગ્રહ ક્ષમતાના 40.35 ટકા જેટલું છે.

સિંચાઈ વિભાગ દ્વારા સતત મોનિટરિંગ
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ પાણીની આવક સતત જળવાયેલી છે. હાલમાં આ ડેમની જળ સપાટી 454.98 ફૂટ પર પહોંચી છે. ડેમમાં કુલ 2,17,168 mcft પાણીનો સંગ્રહ થયો છે, જે તેની કુલ ક્ષમતાના 65.01 ટકા જેટલો છે. ડેમમાં પાણીની આવક 10,645.5 ક્યુસેક છે, જેની સામે 618.5 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જળસ્તરમાં થતા આ વધારાને પગલે સિંચાઈ વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
સાવચેત રહેવા માટે સ્થાનિકોને અપીલ
વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે. ખાસ કરીને હાઈ એલર્ટ પર રહેલા ડેમોના ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને કારણે પાણીની આવકમાં થતા વધારાને જોતા સુરક્ષાના તમામ માપદંડો ચકાસવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા નદીના પટમાં ન જવા માટે અને સાવચેત રહેવા માટે સ્થાનિકોને અપીલ કરવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય સ્થિતિને ટાળી શકાય.
આ પણ વાંચોઃ Sabarkantha Rain: પ્રાંતિજ અને મેઘરજમાં બારે મેગ ખાંગા, વરસાદી પાણી ભરાઈ જતાં વેપાર ધંધાને માઠી અસર પહોંચી