અમદાવાદમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અતિભારે વરસાદ બાદ સ્થાનિક વહીવટી તંત્ર AMCની કામગીરી અને દાવાઓની પોલ ખુલી ગઈ છે. ભારે વરસાદને કારણે ભરાયેલા પાણીને લઈને કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નિવેદનોમાં જ વિરોધાભાસ જોવા મળ્યો છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને સ્વીકાર્યું હતું કે શહેરની 79 સોસાયટીઓમાં હજુ પણ પાણી ભરાયેલાં યથાવત છે.જ્યારે કમિશનરે તમામ 79 સોસાયટીઓમાંથી પાણી ઓસરી ગયા હોવાનો અને રોડ પર ક્યાંય પાણી ન હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ શહેરમાં 1927 બાદ જુલાઈમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હોવાની વિગતો સામે આવી છે. 90 વર્ષ બાદ એક દિવસમાં શહેરમાં 11 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
અમદાવાદ શહેરમાં મેઘરાજાની સતત બેટિંગ યથાવત
અમદાવાદ શહેરમાં મેઘરાજાની સતત બેટિંગ યથાવત રહી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદી ડેટા અનુસાર,આજે 24 જુલાઈ 2026ના રોજ સવારે 6થી સાંજે 7 વાગ્યા સુધીના 13 કલાકમાં શહેરમાં સરેરાશ 40.22 મીમી વરસાદ નોંધાયો છે.આ સાથે જ ચાલુ મોસમનો અમદાવાદનો કુલ સરેરાશ વરસાદનો આંકડો 447.31 મીમી એટલે કે 17.62 ઈંચ પર પહોંચી ગયો છે.શહેરમાં સૌથી વધુ વરસાદ સેન્ટ્રલ ઝોનમાં 55.00 મીમી નોંધાયો છે.જેમાં અસારવામાં સૌથી વધુ 70.50 મીમી, કાલુપુરમાં 61.50 મીમી અને મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વિસ્તારમાં 44.50 મીમી વરસાદ પડ્યો છે. ઉત્તર ઝોનમાં સરેરાશ 45.00 મીમી વરસાદ થયો છે, જેમાં નરોડા વિસ્તારમાં સૌથી વધુ 60.00 મીમી વરસાદ નોંધાયો છે.
મણિનગરમાં સૌથી વધુ 48.50 મીમી વરસાદ
પૂર્વ ઝોનમાં સરેરાશ 44.75 મીમી વરસાદ નોંધાયો છે. ચકુડિયા વિસ્તારમાં 52.50 મીમી અને ઓઢવમાં 53.50 મીમી વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ઝોનમાં સરેરાશ 39.38 મીમી વરસાદ પડ્યો છે. જેમાં મણિનગરમાં સૌથી વધુ 48.50 મીમી વરસાદ નોંધાયો છે. નોર્થ વેસ્ટ ઝોન ઝોનમાં સરેરાશ 34.43 મીમી વરસાદ નોંધાયો છે. ઓગણજ (36.00 મીમી), સાયન્સ સિટી (35.50 મીમી) અને બોડકદેવ (35.00 મીમી) માં નોંધપાત્ર વરસાદ રહ્યો છે.પશ્ચિમ ઝોનમાં સરેરાશ 33.29 મીમી વરસાદ નોંધાયો છે, જેમાં નારણપુરા (41.00 મીમી) અને રાણીપ (36.00 મીમી) માં વધુ વરસાદ પડ્યો છે.
173 ઝાડ પડવાની અને 46 સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની ફરિયાદો
અમદાવાદમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિ અંગે માહિતી આપતાં AMC કમિશનરે જણાવ્યું હતું કે,શહેરમાં ખાસ કરીને દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે,જેમાં બોપલ વિસ્તારમાં 20 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.વરસાદી આફત વચ્ચે તંત્ર દ્વારા રાહત કામગીરી હાથ ધરીને શંકર ભુવન ચાલીમાંથી 200 લોકોનું શિફ્ટિંગ કરવામાં આવ્યું છે તથા સાબરમતી રબારી વાસમાંથી 11 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે, જ્યારે શહેરમાં ભરાયેલા પાણીના ઝડપી નિકાલ માટે 107 પંપ કાર્યરત કરાયા છે. આ ભારે વરસાદના કારણે શહેરમાં 173 ઝાડ પડવાની અને 46 સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની ફરિયાદો મળી છે.
AMTS અને BRTS સેવાઓ ચાલુ રાખવામાં આવી
કમિશનરે વધુમાં ઉમેર્યું હતું કે નાગરિકોની સુવિધા માટે AMTS અને BRTS સેવાઓ ચાલુ રાખવામાં આવી છે, પરંતુ સુરક્ષાના કારણોસર ચાંદલોડિયા અંડરપાસ બંધ કરી દેવાયો છે અને સમગ્ર શહેરમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરાયું છે. બીજી તરફ, પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે બોપલ વિસ્તારની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી, જ્યારે સંભવિત આફતને પગલે આવતીકાલે શહેરની શાળા,કોલેજ અને આંગણવાડીઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Ahmedabad News : ગુરૂકુળ વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને લાખોનું નુકસાન, ગટરના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં









