અમદાવાદ શહેરમાં 13 ઈંચથી પણ વધુ આફતરૂપી વરસાદ વરસતાં સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું છે. જ્યારે આગામી બે દિવસ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પૂર્વ અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા ફિઝિકલ ગ્રાઉન્ડ પાસે તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. બીજી તરફ, પાલડીમાં આવેલા 'યસ નિધિ' ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર બે-બે ફૂટ પાણી ભરાઈ જતાં લોકોની ઘરવખરી બરબાદ થઈ ગઈ હતી. શહેરમાં ભારે વરસાદને કારણે 11 અંડરપાસમાં પાણી ભરાવાને કારણે બંધ કરવામાં આવ્યા છે. 

અમદાવાદ અંડરપાસ

ખરાબ વાતાવરણના કારણે હવાઈ સેવાઓ ખોરવાઈ

ભારે વરસાદ અને ખરાબ હવામાનની ગંભીર અસર અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરના વિમાન વ્યવહાર પર પણ પડી છે. વાતાવરણ સાનુકૂળ ન હોવાના કારણે અમદાવાદ આવતી ૭ ફ્લાઈટ્સને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવી પડી છે, જ્યારે ૬૦થી વધુ ફ્લાઈટ્સ મોડી પડતાં મુસાફરો ભારે રઝળપટ્ટ અને મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત, પ્રતિકૂળ હવામાનને પગલે અમદાવાદથી મુંબઈ જતી સ્પાઈસજેટની ફ્લાઈટ રદ કરવાની ફરજ પડી છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા

અમદાવાદમાં સવારથી જ શરૂ થયેલા મુસળધાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના વસ્ત્રાપુર, AEC ચાર રસ્તા, વિજય ચાર રસ્તા, શાસ્ત્રીનગર અને થલતેજ જેવા મુખ્ય માર્ગો તેમજ વિસ્તારો જળમગ્ન બન્યા છે. માર્ગો પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે અનેક સ્થળે વાહનો ટ્રાફિક જામમાં ફસાયા હતા.

આ પણ વાંચોઃ Ahmedabad News: ચાંદલોડિયામાં જળબંબાકારની સ્થિતિ, તંત્ર સામે લોકોમાં ભારે આક્રોશ