મેગાસિટી અમદાવાદમાં ગુરુવારે શેલા,ઘુમા અને બોપલમાં પડેલા 19 ઇંચ જેટલા ભારે વરસાદની અસર સતત બીજા દિવસે શનિવારે પણ જોવા મળી હતી.આ વિસ્તારોમાં જનજીવન હજુ સામાન્ય થયું નથી.લોકો વીજળી,પીવાના માટે કાફા મારી રહ્યા છે.અનેક ફ્લેટોમાં રહેતા રહિશોના ફોર વ્હિલર, ટુ વ્હિલર બેઝમેન્ટમાં 12 ફૂટ પાણીમાં જળસમાધી લઈ ચૂક્યાં છે.અનેક ફ્લેટોના બેઝમેન્ટમાં ભરાયેલા પાણી ઉલેચવામાં મ્યુનિ.તંત્ર હાંફી રહ્યું છે. કેટલાય એવા ફ્લેટો અને સોસાયટીઓ છે કે જ્યાં મ્યુનિ.તંત્ર મદદે પહોંચ્યું નથી. 14 માળના ફ્લેટોમાં હાલ લિફ્ટો બંધ છે.પીવાના પાણીના ટેન્કરોમાંથી પાણી ભરવા લોકો પડાપડી કરી રહ્યા છે.સીડીઓ ચડીને પાણી 14મા માળ સુધી પહોંચાડવા રહીઓ મજબુર છે.

બોપલ અને શેલા સહિત ઘુમા વિસ્તારમાં વરસાદી આફત
અમદાવાદના બોપલ અને શેલા સહિત ઘુમા વિસ્તારમાં વરસાદી આફતથી વૃદ્ધો, બાળકો, મહિલાઓ, બીમાર અને અશક્તોની હાલત દયનીય બની ગઈ છે. ફાયર સેફ્ટિ, સીસીટીવી કેમેરાની સિસ્ટમ ખોટકાઈ ગઈ છે.કેટલાક રહીશો તો ફલેટો છોડીને સગા વહાલાઓને ત્યાં જતા રહ્યા છે.લાખો-કરોડોની કિંમતના ફલેટ ખરીદ્યા પછી પણ શાંતિથી રહેવાનું સુખ તો મળ્યું નહી તેવી વેદના રહીશો ઠાલવી રહ્યાં છે. વેરાઓ ઉઘરાવનારી અને બાકી વેરા મામલે મિલકતો સીલ કરીને રહીશોની આબરૂ કાઢનાર મ્યુનિ કોર્પોરેશન ઉપરાવેલા વેરાના બદલામાં શહેરીજનોને મનમુકીને પુરતી સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ પુરવાર રહ્યું છે.

નારણપુરામાં ડેવલોપરની બેદરકારી, 48 પરિવારો રોડ ઉપર આવી ગયા
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ડેવલોપરની બેદરકારીના કારણે કન્સ્ટ્રકશન સાઈટની દીવાલ ધસી પડતા લક્ષ્મીકૃપા વિભાગ-2ના 24 તથા કર્ણાવતી એપાર્ટમેન્ટના બે બ્લોકના 24 એમ કુલ મળીને 48 પરિવારો રોડ ઉપર આવી ગયા છે.આ તમામ પરિવારોને હાલમાં પ્રગતિનગરમાં આવેલા હાઉસિંગ બોર્ડના કોમ્યુનિટી હોલમાં રાખવામાં આવ્યા છે.તમામની માંગ છે કે, ડેવલોપરની બેદરકારીથી તેમના મકાનો રહેવા લાયક રહ્યા નથી ત્યારે ડેવલપર તમામને ભાડું આપે તો અન્યત્ર રહેવા જઈ શકીએ અથવા તો અમારા મકાન નવા બનાવી આપે.ત્રણ દિવસ સુધી આ ઘટનાને કોર્પોરેશનના અધિકારીઓએ દબાવી રાખી હતી. કેમકે જે ડેવલપરની બેદરકારીથી આ પરિવારો રોડ ઉપર આવી ગયા છે તે ડેવલપર્સ સાથે ભાજપના બે પૂર્વ કોર્પોરેટરો આર.સી.પટેલ અને રીક્રિએશન કમિટીના પૂર્વ ચેરમેન જિજ્ઞેશ પટેલ ભાગીદાર છે.

કોર્પોરેશને ડેવલોપરની રજા ચિઠ્ઠી સ્થગિત કરી
કોર્પોરેશને ડેવલોપરની રજા ચિઠ્ઠી સ્થગિત કરી તે બાબતને પણ ઢાંકવા અધિકારીઓએ પ્રયાસ કર્યો હતો. ગુરૂવારે શહેરમાં વરસેલા ભારે વરસાદની પરિસ્થિતિમાં નારણપુરામાં વિક્રમ ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવી રહેલી સાઈટની દીવાલ ધરાશાયી થતાં લક્ષ્મીકૃપા વિભાગ બે અને કર્ણાવતી એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારોના મકાનોને નુકસાન થવા પામ્યું હતું.ડેવલપર દ્વારા સાઈટ ઉપર બાંધકામની કામગીરી દરમિયાન યોગ્ય તકેદારી રાખવામાં નહીં આવતી હોવાની રજૂઆત રહીશો તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત અન્ય સંબંધિત વિભાગો સમક્ષ કરાઈ હોવાનું સ્થાનિકોમાંથી જાણવા મળ્યું હતું પરંતુ સ્થાનિક ધારાસભ્ય સહિત ભાજપના કેટલાક નેતાઓના દબાણને વશ થઈ કોર્પોરેશનના અધિકારીઓએ ઘટના ઉપર ત્રણ દિવસ સુધી પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો. બે દિવસથી ઘરવિહોણાં લોકો હાઉસિંગ બોર્ડના હોલમા વસવાટ કરી ન્યાય મેળવવા લડત આપી રહ્યા છે.

બાંધકામમાં બેદરકારીનો આક્ષેપ
180 ફલેટ ધરાવતા ન્યૂ પ્રભુ પાર્ક સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ શહેરના સંબંધિત સરકારી તંત્ર સમક્ષ રજૂઆત કરીને આરોપ લગાવ્યો છે કે સોસાયટીની સામે ચાલી રહેલા અનઘ કન્સ્ટ્રક્શનના બાંધકામમાં ગંભીર બેદરકારી અને સુરક્ષા ધોરણોના ભંગને કારણે જાહેર માર્ગ,સરકારી મિલકત અને સોસાયટીના રહેણાંક મકાનોને નુકસાન પહોંચ્યું છે.સોસાયટીના પ્રતિનિધિઓનું કહેવું છે કે જો તાત્કાલિક તકનીકી તપાસ અને સુરક્ષાત્મક પગલાં લેવામાં નહીં આવે તો મકાનોમાં તિરાડો પડવાની, ઇમારતને માળખાકીય નુકસાન થવાની તેમજ કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા નકારી શકાય તેમ નથી.દક્ષિણ-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર શંકર અસારીના કહેવા પ્રમાણે સોસાયટીના બે બ્લોકના 60 ફલેટના રહીશોની રજૂઆતને ધ્યાનમાં લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સલામતીના કારણોસર ખસી જવા અંગે નોટિસ અપાઈ છે.

વરસાદી પ્રકોપ સામે મ્યુનિ.કોર્પોરેશન તંત્ર વામણું સાબિત થયું
અમદાવાદમાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદની ગતિ ધીમી પડી છે. આમ છતાં, બોપલ-ઘુમા સહિતના અનેક વિસ્તારના રહીશો સતત ત્રીજા દિવસે પણ વરસાદી પાણીમા રહેવા મજબૂર બન્યા હતા. જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ત્યાં યુદ્ધના ધોરણે વરસાદી પાણીના નિકાલ અંગે તંત્ર તરફથી જાહેરાત કરાઈ હતી, જે પોકળ પુરવાર થઈ હતી. શનિવારે પણ શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ક્યાંક નાના તો ક્યાંક વરુણ પમ્પ મૂકીને વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવતો હતો. બોપલની ભગવતી કૃપા સોસાયટીના રહીશોના મકાનમાં તો કમર સુધીના પાણી શનિવારે પણ જોવા મળ્યા હતા. કોર્પોરેશનનું તંત્ર મશીનરીનો સમયસર ઉપયોગ કરી લોકોને વરસાદી પાણીરૂપી આવી પડેલી આફતમાંથી બહાર લાવવામાં સદંતર નિષ્ફળ રહ્યું હતું.

વરસાદી પાણીનો શનિવાર સાંજ સુધી નિકાલ નહીં
બોપલ-ઘુમા વિસ્તારની સ્થિતિની મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સ્થળ ઉપર જઈ સમીક્ષા કરી હતી. ઈસ્કોન ગ્રીન, સેન્ટોસા પાર્ક તથા ઘુમા તળાવની મુલાકાત લઈ વરસાદી પાણીના ઝડપથી નિકાલ માટે કોર્પોરેશનના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આમ છતાં, કડવી વાસ્તવિકતા એ છે કે, કોર્પોરેશન તંત્રના અથાક પ્રયાસ પછી પણ બોપલ-ઘુમા વિસ્તાર સહિત અનેક સ્પોટ પર ભરાયેલા વરસાદી પાણીનો શનિવાર સાંજ સુધી તંત્ર નિકાલ કરી શક્યું નહોતું. સહજાનંદ ક્રોસ રોડ પાસે મોટો ભૂવો પડયો હતો જેને કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. અચાનક ભુવો પડતા બાજુનું ટ્રાફિક સિંગ્નલ પણ અંદર સમાઈ ગયો હતો. જેને હાલ કોર્ડન કરાયો છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: વરસાદી પાણીથી સાચવ્યું હવે રોડથી સાચવજો, ભૂવા પડવાથી રસ્તા બંધ થતા વાહનચાલકો પરેશાન









