ગુજરાત નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના તાજેતરના અહેવાલ મુજબ રાજ્યના 207 મુખ્ય જળાશયોમાં કુલ ક્ષમતા 2525756 મિલિયન ક્યુબિક મીટર (MCM) સામે હાલ 16311.52 MCM જેટલો જળજથ્થો ઉપલબ્ધ છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 64.58 % થાય છે. રાજ્યના કુલ 33 ડેમ 100 ટકા ભરાઈને સંપૂર્ણપણે છલકાઈ ગયા છે. ચાલુ વર્ષે ચોમાસાની સારી આવકના પરિણામે ગત વર્ષની સરખામણીએ જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
નર્મદા ડેમમાં હાલમાં 7220.47 MCM પાણીનો જથ્થો
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં 7220.47 MCM પાણીનો જથ્થો નોંધાયો છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 76.33 ટકા છે. નર્મદા ડેમની જળસપાટી 131.30 મીટરે પહોંચી છે અને તેમાં 72407 ક્યુસેક પાણીની સરેરાશ આવક થઈ રહી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં આવેલા ઉકાઈ ડેમમાં 394170 ક્યુસેક જેટલી ભારે આવક સાથે જળસંગ્રહ 65.68 ટકા સુધી પહોંચ્યો છે.

દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં સૌથી વધુ જળસંગ્રહ
પ્રાદેશિક દ્રષ્ટિએ જળસંગ્રહની સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં સૌથી વધુ 64.98 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જ્યાં 7 ડેમ પૂર્ણ ભરાયા છે. મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 54.17 અને સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 51.96 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રના 15 ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યા છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 41.46 ટકા અને કચ્છના 20 જળાશયોમાં 25.39 ટકા જળસંગ્રહ થયો છે.

વણાંકબોરી ડેમ 100 ટકા ભરાઈ ગયો
જળાશયોમાં સતત પાણીની આવકને કારણે વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ અને એલર્ટ જારી કરવામાં આવ્યા છે. ભાવનગરનો શેત્રુંજી ડેમ, મોરબીના મચ્છુ-2અને બ્રાહ્મણી ડેમ તથા મહિસાગરનો વણાંકબોરી ડેમ 100 ટકા ભરાઈ જતાં તેમાંથી પાણી નદીઓમાં છોડવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને નદીકંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ Gujarat Weather : રાજ્યમાં સિઝનનો કુલ 53 ટકા વરસાદ નોંધાયો, સૌરાષ્ટ્ર-કચ્છમાં 7 ટકા ઓછો પડ્યો