હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.હાલ લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયર ઝોન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ચાલુ સિઝનમાં અત્યાર સુધી ગુજરાત રિજનમાં સામાન્ય કરતાં 19 ટકા વધુ વરસાદ નોંધાયો છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં 25 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદિપ શર્માના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં છોટાઉદેપુર, વલસાડ, ડાંગ, દમણ, તાપી અને નવસારીમાં ભારે વરસાદનું અનુમાન છે. જ્યારે મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા અને નર્મદામાં વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.દરિયામાં સર્જાયેલી સિસ્ટમને પગલે માછીમારોને આગામી 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ તરફ અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,આગામી દિવસોમાં રાજ્યમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામશે.આ સમયગાળા દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ કલાકના 30થી 40 કિલોમીટર સુધી પહોંચી શકે છે.વરસાદના જોખમને જોતાં દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે.દક્ષિણ ગુજરાત અને સરહદી જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની આશંકા છે.હવામાન વિભાગઅનુસાર, યલો એલર્ટ ધરાવતા વિસ્તારો સિવાય પણ રાજ્યના મોટાભાગના ભાગોમાં મેઘરાજા મહેરબાન રહેશે.

આ પણ વાંચોઃ Suratમાં ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટી કાર્યવાહી: પિતાની ફરિયાદ બાદ ધરપકડના ચક્રો ગતિમાન