અમદાવાદ શહેરમાં સતત વરસતા અનરાધાર વરસાદ અને તેના કારણે સર્જાયેલા વ્યાપક જળબંબાકાર વચ્ચે તંત્ર સતર્ક બન્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા અમદાવાદ શહેર અને આસપાસના પંથકમાં આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદની કડક આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં જળબંબાકાર વચ્ચે તંત્ર સતર્ક બન્યું

હવામાન વિભાગની આ ગંભીર આગાહીને ધ્યાનમાં રાખીને તથા શહેરના વસ્ત્રાપુર, શિવરંજની, નવરંગપુરા, બોપલ અને પ્રહલાદ નગર સહિતના મુખ્ય વિસ્તારોમાં રોડ પર ભરાયેલા કમરબૂડ પાણીની સ્થિતિને જોતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિદ્યાર્થીઓની ક્ષેમકુશળતા અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. AMC દ્વારા તકેદારીના ભાગરૂપે નિર્ણય લેવામાં આવ્યો છે કે આવતીકાલે, તા. 24 જુલાઈ, 2026 (શુક્રવાર) ના રોજ અમદાવાદ શહેરની તમામ પ્રાથમિક, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ તમામ કૉલેજોમાં શૈક્ષણિક કામગીરી તદ્દન બંધ રહેશે.

સત્તાવાર અપીલ અને વાલીઓ માટે સૂચના

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ નાગરિકો, વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોને આ નિર્ણયની ગંભીરતાથી નોંધ લેવા અને તકેદારી રાખવા અનુરોધ કરાયો છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે નીચાણવાળા અને જળમગ્ન વિસ્તારોમાંથી પસાર થવું જોખમી હોઈ આ પગલું લેવાયું છે.

કૉલેજોમાં શૈક્ષણિક કામગીરી તદ્દન બંધ

આ સાથે જ AMC તંત્ર દ્વારા અમદાવાદના તમામ નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે આ વરસાદી કટોકટીની પરિસ્થિતિ દરમિયાન સંપૂર્ણ સાવચેતી વર્તવી. સોશિયલ મીડિયા પર વહેતી થતી ભ્રામક અફવાઓથી દૂર રહેવું અને માત્ર વહીવટી તંત્ર તથા AMC ના સત્તાવાર બુલેટિન પર જ વિશ્વાસ રાખવો. અતિ આવશ્યક કામ સિવાય ઘરની બહાર ન નીકળવા પણ નાગરિકોને સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: Valsad: ઓરંગાના પૂરમાં છીપવાડાના 300 ઘરો ડૂબ્યા, 8 મહિનાના ગર્ભવતી મહિલાનું બોટથી રેસ્ક્યૂ