ગુજરાતમાં સવારે 10 વાગ્યા સુધીમાં પાંચ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં પ્રતિ કલાક 15 મિલીમીટરથી વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, સુરત અને કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે. બીજી તરફ મોડી રાત્રે પણ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસ્યો હતો. શહેરમાં પરિમલ, શાહિબાગ, અખબારનગર અને મકરબા અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા છે. જ્યારે વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા છે.

અમદાવાદ વરસાદ

અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ

આજે સવારથી જ અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતાં. શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર ભારે વરસાદ ખાબકવાનું શરૂ થયું હતું. શહેરના બોડકદેવ, વસ્ત્રાપુર, ગોતા, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો હતો. વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતાં. જેના કારણે વાહનચાલકો અને ખાસ કરીને સ્કૂલે બાળકોને મુકવા જનારા વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સામાન્ય વરસાદમાં જ સવારમાં જ લોકોને હાલાકી સર્જાઈ હતી. વીજળીના કડાકા ભડાકા સાથે અમદાવાદમાં વરસાદ ખાબક્યો છે. લાંબા વિરામ બાદ ખાબકેલા વરસાદને કારણે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. 

અમદાવાદ વરસાદની આગાહી

સુરત અને કચ્છમાં પણ વરસાદ

બીજી તરફ સુરત શહેરમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. શહેરના કતારગામ ,વેડ રોડ ,ડભોલી ,રાંદેર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ગાંધીનગરમા પણ વહેલી સવારથી કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ ખબક્યો છે. કચ્છના રાપર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જ્યાં માત્ર એક જ કલાકમાં બે ઈંચ ધોધમાર વરસાદ ખાબકવાના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ ભારે વરસાદના પગલે બાદરગઢ, લોદ્રાણી, ગાગોદર તેમજ આડેસર, ભીમાસર, પલાંસવા અને ખડીર સહિતના વિસ્તારોમાં નદી-નાળામાં પાણીની ભારે આવક થઈ છે, જેનાથી સ્થાનિક જળસ્રોતોમાં વધારો થવાની સાથે ખેડૂતોના પાકને પણ મોટો ફાયદો થશે.

આ પણ વાંચોઃ Gujarat Weather News: આજે સવારે 10 વાગ્યા સુધીમાં 5 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ