અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા આર.એમ.એસ. (RMS) તળાવ પાસે ભારે નુકસાન થવાની ઘટના સામે આવી છે. તળાવ નજીકથી પસાર થતી ડ્રેનેજ લાઇન લાંબા સમયથી લીકેજ હોવાના કારણે અંદરને અંદર જમીનનું ધોવાણ થઈ રહ્યું હતું. આ ગંભીર લીકેજના પરિણામે જમીન અચાનક ધસી પડી હતી, જેના લીધે તળાવની પ્રોટેક્શન વોલ (સુરક્ષા દીવાલ) મોટા ધડાકા સાથે તૂટી પડી હતી.
મોર્નિંગ વોક-વે બેસી જતા મનપાએ બેરિકેટિંગ કર્યું
પ્રોટેક્શન વોલ તૂટવાની સાથે જ તળાવની આસપાસ સ્થાનિક રહીશો માટે બનાવાયેલો મોર્નિંગ વોક-વે પણ ઊંડાણમાં બેસી ગયો છે. સદ્નસીબે આ દુર્ઘટના સમયે વોક-વે પર લોકોની અવરજવર ન હોવાથી મોટી હોનારત ટળી હતી. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સુરક્ષાના ભાગરૂપે તળાવ આસપાસના સમગ્ર જોખમી વિસ્તારમાં બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું છે.
