હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની વર્તાયેલી આગાહીને પગલે વહીવટી તંત્ર પૂરેપૂરું એક્શન મોડમાં આવી ગયું છે. સ્થિતિની સમીક્ષા કરવા અને પૂર્વતૈયારીઓ માટે કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. પૂરની સંભાવના ધરાવતા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક અસરથી સુરક્ષિત સ્થળે ખસી જવા સત્તાવાર તાકીદ કરવામાં આવી છે.

પશુપાલકો માટે માર્ગદર્શિકા, દરિયાકાંઠે જવા પર સંપૂર્ણ પ્રતિબંધ

નાગરિકો તથા પશુઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા ખાસ સૂચનાઓ જારી કરવામાં આવી છે. પશુપાલકોને પોતાના પશુધનને બાંધી રાખવાને બદલે ખુલ્લા રાખવા જણાવવામાં આવ્યું છે, જેથી પૂરના પાણી આવે તો તેઓ પોતાનો બચાવ કરી શકે. આ ઉપરાંત, સુરક્ષાત્મક પગલાં રૂપે જિલ્લાના તમામ દરિયાકાંઠાના પ્રવાસન સ્થળો પર સહેલાણીઓ માટે જવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે.

જળભરાવ વાળા રસ્તા એવોઇડ કરવા અને કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ

તંત્ર દ્વારા વાહનચાલકો અને સામાન્ય નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જે રસ્તાઓ પર પાણી ભરાયા હોય ત્યાંથી પસાર થવાનું ટાળવું, જેથી કોઈ અકસ્માત ન સર્જાય. કોઈપણ પ્રકારની ઈમરજન્સી કે મુશ્કેલીના સમયે મદદ મેળવવા માટે જિલ્લા વહીવટી તંત્રના ઈમરજન્સી કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે. સમગ્ર સુરત જિલ્લામાં તંત્ર દ્વારા સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Panchmahal News : પાવાગઢ જતા શ્રદ્ધાળુઓ માટે ખાસ સૂચના જાહેર, ભારે વરસાદની સ્થિતિમાં તંત્ર એલર્ટ મોડ પર