રાજ્યમાં પડેલા સાર્વત્રિક અને ભારે વરસાદના કારણે પ્રખ્યાત કુદરતી ધામ નળસરોવરમાં પાણીની વિપુલ આવક નોંધાઈ છે. ઉપરવાસમાં થયેલા સતત વરસાદને પગલે નળસરોવર સંપૂર્ણપણે છલોછલ ભરાઈ ગયું છે. પાણીની મબલખ આવક થતાં જ નળસરોવરનો વિસ્તાર જળબંબાકાર થવાની સાથે જ પક્ષીઓ અને પ્રકૃતિપ્રેમીઓ માટે નવું જીવન મેળવી ચૂક્યો હોય તેવો ઘાટ સર્જાયો છે.

વર્ષો બાદ સર્જાયા મનમોહક અને અદભુત દ્રશ્યો

નળસરોવર સંપૂર્ણ ભરાઈ જતાં વર્ષો બાદ અહીં પ્રકૃતિના મનમોહક અને રમણીય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સરોવરમાં પાણીના ઊછળતા મોજાં અને ચારેતરફ પથરાયેલી હરિયાળી વચ્ચે કુદરતી સૌંદર્યનો અદભુત નઝારો સર્જાયો છે. આહ્લાદક વાતાવરણ અને કુદરતના રૌદ્ર તેમજ સૌંદર્યપૂર્ણ રૂપનો સમન્વય જોઈને સ્થાનિકો અને પ્રકૃતિપ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરક્ષાના કારણે પર્યટકોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ

સરોવરમાં પાણીનું સ્તર ભયજનક સપાટીએ હોવાથી અને અણધારી હોનારત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. હાલના તબક્કે નળસરોવરમાં પર્યટકો માટે પ્રવેશ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવી દેવામાં આવી છે અને સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સહેલાણીઓને નળસરોવર તરફ ન જવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad News : બોપલમાં જળબંબાકારની સ્થિતિ યથાવત, વરસાદના વિરામ છતાં 10 ફૂટ પાણી ભરાતાં લોકો હેરાન