અમદાવાદ શહેરમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં સ્થાનિકો માટે ભારે મુશ્કેલીઓ સર્જાઈ છે. ખાસ કરીને નોર્થ બોપલ વિસ્તારમાં હજુ પણ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદ થંભી ગયા બાદ પણ તંત્ર દ્વારા પાણી નિકાલની યોગ્ય કામગીરી ન કરાતાં નોર્થ બોપલ અને બોપલ-શીલજ રોડ પર વિરાટ પ્રમાણમાં પાણી ભરાયેલા રહ્યા છે.
જીવના જોખમે રેલવે ટ્રેક પાર કરતા લોકો
બોપલ-શીલજ રોડ પર અંદાજે 10 ફૂટ જેટલા ઊંડા પાણી ભરાઈ જવાથી મુખ્ય વાહનવ્યવહાર અને લોકોની અવરજવર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. રસ્તો બંધ થઈ જતાં અને વિકલ્પ ન હોવાના કારણે સ્થાનિક નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પોતાના કામકાજ અર્થે પહોંચવા માટે લોકો મજબૂરીમાં જીવના જોખમે નજીકના રેલવે ટ્રેક પાર કરીને અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે, જે ગંભીર હોનારતને આમંત્રણ આપી રહ્યું છે.
