અમદાવાદ શહેરમાં 23 જુલાઈના રોજ હવામાન વિભાગની ભૂલભુલામણી ભરી આગાહી સામે આવી છે. હવામાન ખાતા દ્વારા અમદાવાદ માટે માત્ર 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ તેની સામે શહેરમાં જાણે આભ ફાટ્યું હોય તેમ 'રેડ એલર્ટ' જેવો ભયાનક વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગનું ગણતરીભર્યું અનુમાન ખોટું પડતાં તંત્ર અને સ્થાનિક નાગરિકો બંને અચાનક આવેલી આ આફતથી અવાક રહી ગયા હતા.
10 ઇંચ અવિરત વરસાદથી આખું અમદાવાદ પાણીમાં ગરકાવ
શહેરમાં માત્ર કેટલાક જ કલાકોમાં 10 ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસી જતાં અમદાવાદ આખું જળબંબાકાર બની ગયું હતું. મુખ્ય માર્ગો, અંડરપાસ, નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં કમરડૂબ પાણી ભરાઈ ગયા હતા. અચાનક ખાબકેલા આ ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો અને હજારો નાગરિકો રસ્તાઓ તેમજ નીચાણવાળા ઘરોમાં અટવાઈ પડ્યા હતા.
"અનુમાન માત્ર સાંકેતિક હોય છે" - બચાવમાં રાહત કમિશનરનું વિવાદિત નિવેદન
હવામાન વિભાગની આગાહી ખોટી પડવા અંગે અને તંત્રની ઓછી તૈયારીઓ અંગે ઊભા થયેલા પ્રશ્નો વચ્ચે રાહત કમિશનરે તંત્રના બચાવમાં મોટું નિવેદન આપ્યું છે. રાહત કમિશનરે જણાવ્યું હતું કે, હવામાન વિભાગનું અનુમાન માત્ર એક સાંકેતિક માર્ગદર્શન હોય છે." તેમણે ઉમેર્યું કે વરસાદી સિસ્ટમમાં અચાનક તીવ્રતા વધી જવાના કારણે યલો એલર્ટ જેવી સ્થિતિ અચાનક રેડ એલર્ટમાં ફેરવાઈ ગઈ હતી, જેના લીધે આટલો ભારે વરસાદ નોંધાયો હતો.
સિસ્ટમની તીવ્રતા વધતાં પરિસ્થિતિ વણસી
હવામાન નિષ્ણાતોના મતે, અરબી સમુદ્ર અને વાતાવરણમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ અપેક્ષા કરતાં વધુ મજબૂત બની ગઈ હતી. સિસ્ટમની તીવ્રતા ક્ષણવારમાં વધી જતાં અમદાવાદ પર વાદળોનું મોટું ઝૂંડ જમા થઈ ગયું હતું, જેને કારણે આટલો ભયાનક વરસાદ પડ્યો હતો. જોકે, આગાહી ખોટી પડવાને કારણે પ્રિ-મોન્સૂન અને ઈમરજન્સી પ્લૅનિંગ પર ગંભીર અસરો જોવા મળી હતી.
આ પણ વાંચો - Gujarat Rain Update: પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે ભારતીય સેનાની એન્ટ્રી, HADR ઓપરેશન શરૂ, 43 લોકોનું રેસ્ક્યૂ