અમદાવાદ શહેરમાં વરસાદી પ્રકોપ સામે મહાનગરપાલિકાનું તંત્ર તદ્દન વામણું સાબિત થયું છે.વરસાદે વિરામ લીધાને દિવસો વિતી ગયા હોવા છતાં પણ બોપલ, ઘુમા અને શેલા જેવા પશ્ચિમ વિસ્તારના પોશ વિસ્તારોમાં હજી સુધી પાણી ઓસર્યા નથી.તંત્ર દ્વારા કરવામાં આવેલી પાણી નિકાલની તમામ જાહેરાતો અને દાવાઓ તદ્દન પોકળ પુરવાર થયા છે. બોપલ ગામમાં આવેલી ભાગવત સોસાયટી તેમજ દર્શન-દેવતીર્થ બંગલોઝ જેવા રહેણાંક વિસ્તારો સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયા છે, જ્યાં ઘૂંટણસમા પાણી ભરાયેલા રહેતાં સ્થાનિક રહીશો ઘરમાં જ કેદ રહેવા મજબૂર બન્યા છે અને સમગ્ર જનજીવન ઠપ થઈ ગયું છે.
https://twitter.com/sandeshnews/status/2081231085812470141

અમદાવાદના બોપલમાં નરકાગાર જેવી સ્થિતિ 

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી ભગવતી પાર્ક સોસાયટીમાં વરસાદ બાદ નરકાગાર જેવી અત્યંત દયનીય સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણીની સાથે ગટરના પાણી બેક મારતાં સોસાયટીના માર્ગો સહિત રહીશોના ઘરોમાં ગંદુ પાણી ઘૂસી ગયું છે, જેના કારણે વરસાદ સાથે ગટરનું પાણી પણ લોકો માટે મોટી આફત બનીને ત્રાટક્યું છે. ગંદા અને દૂષિત પાણી ભરાયેલા રહેવાના કારણે સમગ્ર વિસ્તારમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. આ ગંભીર હાલાકીને પગલે તંત્રની નિષ્ફળ કામગીરી સામે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે અને તેમણે વહેલી તકે આ દૂષિત પાણીના નિકાલ માટે ત્વરિત કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે.

ભગવતી બોપલ
દુકાનો પાણીમાં ડૂબી જતાં વેપારીઓને મોટું આર્થિક નુકસાન 

વરસાદી પાણી ઘરો, સોસાયટીઓ અને શોપિંગ કોમ્પ્લેક્સના ભોયરામાં ઘૂસી જતાં અસંખ્ય દુકાનો,ઓફિસો અને પાર્ક કરેલા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.ખાસ કરીને ઘુમા વિસ્તારમાં 12થી વધુ દુકાનો પાણીમાં ડૂબી જતાં વેપારીઓને મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.આ ઉપરાંત,બિલ્ડિંગોના બેઝમેન્ટમાં પાણી ભરાવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે,લિફ્ટ બંધ પડી ગઈ છે અને પીવાના પાણી માટે પણ હજારો રહીશોને ફાંફા મારવા પડી રહ્યા છે.સ્માર્ટ કે મેગાસિટી તરીકે ઓળખાતા અમદાવાદનું વિકાસ મોડલ આ ચોમાસામાં પાણીમાં તણાઈ ગયું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

અમદાવાદ ભારે વરસાદ

ત્રણ-ત્રણ દિવસથી પાણીનો કોઈ નિકાલ નહીં

આ ભારે હાલાકી વચ્ચે પણ ત્રણ-ત્રણ દિવસથી પાણીનો કોઈ નિકાલ ન થતાં સ્થાનિક રહીશોમાં તંત્ર પ્રતી વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે તાત્કાલિક ધોરણે પંપિંગ મુકીને પાણીનો નિકાલ કરવાની ઉગ્ર માગ કરી છે. બીજી તરફ, આવી કટોકટીપૂર્ણ સ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમ દ્વારા પાણીમાં ફસાયેલા પરિવારજનો સુધી જરૂરી દવાઓ,પીવાનું પાણી અને રાશન સામગ્રી જેવો સામાન પહોંચાડીને રાહત પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદ 3


ઠેર-ઠેર ભુવાઓ પડવાની ભરમાર સર્જાઈ

અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ ઠેર-ઠેર ભુવાઓ પડવાની ભરમાર સર્જાઈ છે.વરસાદે વિરામ લીધો હોવા છતાં પણ શહેરીજનો અને વાહનચાલકોની હાલાકી યથાવત જોવા મળી રહી છે.નહેરુનગરથી પાંજરાપોળ તરફ જતાં BRTS ટ્રેક પર પણ મોટો ભુવો પડતાં અને રસ્તો જોખમી બનતાં વાહનચાલકોની સુરક્ષા માટે આ રોડ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે.રસ્તાઓ બંધ થવાના કારણે આ વ્યસ્ત માર્ગ પરથી પસાર થતાં દૈનિક મુસાફરો ભારે પરેશાની અને ટ્રાફિક જામનો સામનો કરી રહ્યા છે. 

અમદાવાદ મેગા સિટી

વસ્ત્રાપુરમાં સરકારી વસાહત નજીકનો મુખ્ય રોડ બેસી ગયો

શહેરના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરમાં સરકારી વસાહત નજીકનો મુખ્ય રોડ પણ વરસાદી પાણીમાં ધોવાઈ જતાં જમીનમાં બેસી ગયો છે.વરસાદી પાણી ઓસરતાં જ મનપા દ્વારા કરવામાં આવેલા રોડ-રસ્તાના કામોની પોલ ખુલ્લી પડી ગઈ છે.વરસાદ બાદ આ રસ્તો અત્યંત બિહામણો અને જોખમી બની જતાં અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.જેને પગલે સ્થાનિકો દ્વારા વાહનચાલકોને આ માર્ગ પરથી પસાર થતી વખતે વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.કરોડો રૂપિયાના ખર્ચે બનતા રસ્તાઓ માત્ર એક જ વરસાદમાં ધોવાઈ જતાં અથવા બેસી જતાં નાગરિકોમાં મનપાના ભ્રષ્ટ અને નબળા વહીવટ પ્રતી ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Banaskantha News: ભારે વરસાદથી રણ વિસ્તારમાં મીઠું ધોવાઈ જતાં અગરિયાઓને નુકસાન, સરકાર પાસે સરવેની માગ