ગુજરાત રાજ્ય પર સર્જાયેલી વરસાદી સિસ્ટમ ભારે સક્રિય થતાં સવારથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધીના માત્ર 10 કલાકના ગાળામાં રાજ્યના 234 જેટલા તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. આજના દિવસમાં મેઘરાજાનું સૌથી રૌદ્ર સ્વરૂપ સૌરાષ્ટ્રના મોરબી અને સુરેન્દ્રનગર (ઝાલાવાડ) જિલ્લામાં જોવા મળ્યું છે.
મોરબી અને સુરેન્દ્રનગરમાં અતિભારે વરસાદ
સત્તાવાર આંકડાઓ અનુસાર, મોરબી શહેરમાં સૌથી વધુ 8.31 ઇંચ વરસાદ ખાબકતા શહેરના તમામ નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર કેડસમા પાણી ભરાઈ ગયા છે. મોરબી જિલ્લાના ટંકારામાં 6.73 ઇંચ, હળવદમાં 6.3 ઇંચ અને માળીયામાં 4.61 ઇંચ વરસાદ પડતાં સમગ્ર જિલ્લો જળતરબોળ થઈ ગયો છે.બીજી તરફ, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જળપ્રલય જેવી સ્થિતિ નિર્માણ પામી છે. ધ્રાંગધ્રામાં 6.93 ઇંચ, વઢવાણમાં 6.18 ઇંચ અને લખતરમાં 4.49 ઇંચ વરસાદ પડતાં ખેતરો અને રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. મુળી અને ચુડામાં પણ 3.66ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.
