ડોદરાના શિનોર પંથકમાં છેલ્લા 24 કલાકમાં જ 5 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે સ્થાનિક ખરીદ-વેચાણ સંઘના ખાતરના ગોડાઉનમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા. ગોડાઉનમાં પાણી ભરાઈ જવાથી અંદાજે 1994 જેટલી ખાતરની બેગ પાણીમાં ઓગળી ગઈ છે. જેના કારણે સંઘને રૂ. 5.67 લાખનું જંગી આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નુકસાની અંગે તાત્કાલિક મામલતદાર કચેરી અને વીમા કંપનીને સત્તાવાર જાણ કરવામાં આવી છે. હાલમાં વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો સત્તાવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

સાવલી પંથકમાં અવિરત મેઘમહેર

સાવલી પંથકમાં પણ અવિરત મેઘમહેર જોવા મળી રહી છે. ભારે વરસાદના પગલે ઝવેરીપુરા ગામનું મુખ્ય તળાવ ઓવરફ્લો થઈ ગયું છે. તળાવ છલકાતાં તેના ધસમસતા પાણી સાવલીથી ભવાનીપુરા ગામને જોડતા મુખ્ય માર્ગ પર ફરી વળ્યા છે. રસ્તા પર ભારે માત્રામાં પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે અને ભવાનીપુરા ગામ અન્ય વિસ્તારોથી સંપર્કવિહોણું બની ગયું છે, જેનાથી ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

એમ્બ્યુલન્સ સેવા નાગરિકો માટે આશીર્વાદરૂપ

વડોદરામાં ખરાબ હવામાન અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. પ્રાપ્ત આંકડા મુજબ, છેલ્લા 3 દિવસમાં વડોદરા જિલ્લામાં 108 ની ટીમે કુલ 730 ઇમરજન્સી કેસ એટેન્ડ કર્યા છે.

આ પણ વાંચો: Banaskantha: અંબાજીમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, પાલનપુર-કાંકરેજના ગામોમાં પણ મેઘમહેર