ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થતાં આજે ઠેર-ઠેર મેઘમહેર જોવા મળી હતી.આજે સાંજે 6 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન રાજ્યના કુલ 85 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.આ વરસાદી માહોલમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે.વલસાડના વાપીમાં સૌથી વધુ 5.31 ઈંચ વરસાદ ખાબક્યો છે.જ્યારે જૂનાગઢના ભેંસાણમાં 4.31 ઈંચ અને વલસાડના ઉમરગામમાં 3.94 ઈંચ વરસાદ નોંધાયો છે.આ સિવાય જૂનાગઢના માળિયાહાટીનામાં 3.58 ઈંચ અને રાજકોટના લોધિકામાં 3.03 ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

રાજ્યના 5 તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

વરસાદના આ આંકડાઓ પર નજર કરીએ તો,રાજ્યના 5 તાલુકાઓમાં 3 ઈંચથી વધુ, 8 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ અને 29 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની સાર્વત્રિક હાજરી જોવા મળી છે, જેમાં છોટા ઉદેપુરના ક્વાંટમાં 2.2 ઈંચ, નવસારીના વાંસદામાં 2.05 ઈંચ અને અમરેલીના બગસરામાં 2.01 ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ પડ્યો છે. આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

માછીમારો અને ખેડૂતો માટે ચેતવણી

ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લામાં રાત્રે સાત વાગ્યા સુધીમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યના 15 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું હતું. જેમાં રેડ એલર્ટ વાળા 15 જિલ્લામાં ભારે પવન અને આંધી અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ હતી.હવામાન વિભાગે ખેડૂતો અને માછીમારો માટે પણ ચેતવણી જાહેર કરી હતી. ખેડૂતો અને માછીમારોને સતર્ક રહેવાની સલાહ આપી હતી. ખુલ્લી જગ્યા અને વૃક્ષો સહિત ઊંચી ઈમારતોથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Kachchh News: ભારતના દરિયા કાંઠે 575 કરોડના ડ્રગ્સ કેસમાં 18 પાકિસ્તાની અને એક અફઘાની નાગરિકને 20 વર્ષની સજા