ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાતાં સીઝનનો સરેરાશ વરસાદ 27.53 ઈંચથી વધીને 30.67 ઈંચે પહોંચી ગયો છે. ટકાવારીની દ્રષ્ટિએ આ 84.38 ટકા જેટલો વરસાદ થયો છે. પરંતુ 42 તાલુકાઓમાં હજુ 50 ટકાથી લઈને 95 ટકા સુધીની ઘટ વર્તાઈ રહી છે. આ વખતે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ભારે અછત સર્જાઈ છે. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં હાલની સ્થિતિએ દુષ્કાળ જેવો માહોલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો હજુ માત્ર 10.54 ટકા જ વરસાદ થયો છે. એ સિવાય પોરબંદરમાં 24.76 ટકા અને જામનગરમાં 36.27 ટકા જ વરસાદ થયો છે. 

5 જ તાલુકાઓમાં 100 ટકાથી વધુ વરસાદ થયો

બીજી તરફ ઉત્તર ગુજરાત અને કચ્છના મળીને 67 તાલુકાઓ પૈકી માત્ર 5 જ તાલુકાઓમાં 100 ટકાથી વધુ વરસાદ થયો છે. અમદાવાદ શહેરમાં 92.98 ટકા સાથે જિલ્લામાં સરેરાશ વરસાદ 101.94 ટકા પૂરો ચૂક્યો છે. રાજ્યમાં ઈંચની દ્રષ્ટિએ સૌથી વધુ ખેરાલુ તાલુકામાં 120.60 ઈંચ જ્યારે ટકાવારીમાં સૌથી વધુ નડિયાદ તાલુકામાં 174.52 ટકા વરસાદ થયો છે. ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ સીઝન દરમિયાન વરસાદની પેટર્નમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડ્યો છે તો અમુક વિસ્તારોમાં વરસાદ નામોનિશાન પૂરતો જ વરસ્યો છે. જેના કારણે ખેડૂતોની હાલત ખૂબ કફોડી બની છે. 

વરસાદની ઘટ

42 તાલુકાઓમાં હજુ 50થી લઈને 95 ટકા સુધીની ઘટ

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ઘટને લીધે ચોમાસુ પાક મોટો નુકસાન જવાની ભીતિ વર્તાઈ રહી છે. ખેડૂતોના કહેવા મુજબ ચાલુ વર્ષે વાવેતરેલી વરસાદની અછતના કારણે ઘાસચારાની પણ મોટી તંગી સર્જાશે. જોકે છેલ્લા ત્રણ દિવસમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના લીધે મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો હતો. પરંતુ એમાંય મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જ્યારે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માત્ર ઝરમર વરસાદ જ વરસ્યો હતો. સામાન્ય રીતે સરેરાશ વરસાદ 80 ટકાને વટાવી જાય તો મોટાભાગે ચોમાસુ પાક માટે પૂરતો ગણવામાં આવે છે.આ વખતે અત્યાર સુધીમાં વરસાદ 84.38 ટકા થઈ ગયો છે, તેમ છતાં 42 તાલુકાઓમાં હજુ 50થી લઈને 95 ટકા સુધીની ઘટ છે.

24 કલાકમાં રાજ્યના 109 તાલુકામાં વરસાદ નોંધાયો

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 109 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. માંડવીમાં સૌથી વધુ 6.97 ઇંચ, અબડાસામાં 2.13 ઇંચ અને ભુજમાં 1.26 ઇંચ વરસાદ ખાબક્યો છે, આ ઉપરાંત મુન્દ્રા અને નખત્રાણામાં પણ સારો એવો ભારે વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં લો પ્રેશર સક્રિય થવાથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં ખાસ કરીને બેટ દ્વારકા અને પોરબંદર વિસ્તારમાં તેની વધુ અસર જોવા મળશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં, મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 

આ પણ વાંચોઃ Junagadh: ખડીયામાં કેમિકલયુક્ત નકલી દૂધ બનાવતું રેકેટ ઝડપાયું, પામોલીન તેલ અને પાવડરથી બનાવાતું હતું ઝેર