ગુજરાતમાં હાલ ઋતુ બદલાઈ રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ એક ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) ના કારણે આગામી 24 કલાક અત્યંત મહત્વના સાબિત થવાના છે. આ સિસ્ટમની અસરના ભાગરૂપે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) વરસવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ અણધાર્યા હવામાન પલટાના કારણે ખેતી ક્ષેત્રે ચિંતાના વાદળો ઘેરાયા છે અને પ્રશાસન પણ સાવધ બની ગયું છે.

સૌરાષ્ટ્રમાં વરસાદનું એલર્ટ

હવામાન વિભાગની તાજેતરની ચેતવણી મુજબ ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથક માં માવઠાનો સૌથી મોટો માર જોવા મળી શકે છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ માં આકાશ વાદળછાયું રહેવાની સાથે કમોસમી વરસાદ વરસવાની પૂરેપૂરી શક્યતા છે. પવન સાથે વરસી શકનાર આ વરસાદના કારણે ખેડૂતોના હાથમાં આવેલા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી અન્નદાતાઓની ચિંતા સાતમા આસમાને પહોંચી ગઈ છે.

દક્ષિણ ગુજરાતમાં તાપમાન વધશે

સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાત ના કેટલાક હિસ્સાઓમાં પણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર વર્તાઈ રહી છે. વિભાગના જણાવ્યા અનુસાર નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલી માં પણ વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે એક તરફ વરસાદની આગાહી છે તો બીજી તરફ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી ૩ ડિગ્રીનો વધારો થવાની પણ શક્યતા છે, જેના કારણે લોકોને અસહ્ય ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડી શકે છે.

દ્વારકાના કલ્યાણપુર પંથકમાં માવઠું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભાટિયા, કેનેડી અને કલ્યાણપુર સહિતનાં ગામોમાં માવઠું થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ દુષ્કાળ જેવી સ્થિતિ છે, ત્યારે બીજી તરફ વરસાદને કારણે ખેતરોમાં પડેલા પશુચારાના જથ્થા અને મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે.

આ પણ વાંચો : Vadodaraમાં સુરક્ષાનું કવચ મજબૂત, શહેરમાં 2,700 થી વધુ CCTV કેમેરા દ્વારા પોલીસ અને પાલિકા તંત્ર રાખશે સંયુક્ત નજર!