ગુજરાતમાં હાલ દિવાળી અને તહેવારોની મોસમ ચાલી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ અને ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) ની સક્રિય અસર અને ચક્રવાત સંબંધિત સિસ્ટમના કારણે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) વરસી શકે છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં આ સિસ્ટમ વધુ મજબૂત બનીને વેલ માર્ક્ડ લો પ્રેશર (Well-Marked Low Pressure) માં પરિવર્તિત થવાની પૂરેપૂરી શક્યતા છે, જેના કારણે વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે.
કયા જિલ્લાઓમાં ક્યારે વરસશે વરસાદ?
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આજે 29 ઓક્ટોબરે નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે. ત્યારબાદ 30 ઓક્ટોબરે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં જ્યારે 31 ઓક્ટોબરે મુખ્યત્વે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં મેઘરાજા મહેરબાન થઈ શકે છે અથવા તો છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું થઈ શકે છે.
