બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર જોર પકડશે.હવામાન વિભાગના તાજેતરના અહેવાલ અનુસાર,તા.11 સપ્ટેમ્બરથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે અને વિવિધ વિસ્તારોમાં સામાન્ય વરસાદની શરૂઆત થશે.તા.12 સપ્ટેમ્બરથી મેઘરાજાનું જોર નોંધપાત્ર વધતાં દક્ષિણ ગુજરાતના સુરત,વલસાડ, નવસારી,ડાંગ અને તાપી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
મુશ્કેલીમાં મુકાયેલા કૃષિ પાકને જીવનદાન
આ ઉપરાંત તા.13 સપ્ટેમ્બરથી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને ખેડા સહિત સમગ્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ તથા 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી વરસાદ ખેંચાતાં ખેતી પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી. મેઘરાજાના આ નવા રાઉન્ડથી મુશ્કેલીમાં મુકાયેલા કૃષિ પાકને જીવનદાન મળશે અને ધરતીપુત્રોને મોટી રાહત થશે.
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
14 સપ્ટેમ્બરે મેઘરાજા વધુ જોર પકડશે, જેમાં ભાવનગર, અમરેલી, નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની શક્યતા સાથે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. આ જ દિવસે મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદનું 'યલો એલર્ટ' રહેશે. જ્યારે 15 સપ્ટેમ્બરે મેઘરાજાનું જોર સૌરાષ્ટ્ર તરફ રહેશે, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકામાં ભારે વરસાદના 'યલો એલર્ટ' સાથે વરસાદી માહોલ યથાવત રહેશે.
ગુજરાત રાજ્યમાં મોસમી વરસાદની સ્થિતિ
ગુજરાત રાજ્યમાં મોસમી વરસાદની સ્થિતિ જોઈએ તો, સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 687.95 મિમી જેટલો કુલ વરસાદ નોંધાયો છે.છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં છૂટોછવાયો હળવો વરસાદ જ પડ્યો છે.જેમાં સરેરાશ માત્ર 0.52 મિમી વરસાદ નોંધાયો છે અને રાજ્યના 13 જિલ્લાના 20 તાલુકાઓમાં જ વરસાદ નોંધાયો છે.જો ઝોનવાઈઝ વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ 1610.12 મિમી વરસાદ વરસ્યો છે.જ્યારે કચ્છ ઝોનમાં સૌથી ઓછો 149.60 મિમી વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 56.23%,પૂર્વ-મધ્ય ગુજરાતમાં 75.08% અને સૌરાષ્ટ્ર ઝોનમાં 56.26% જેટલો સરેરાશ વરસાદ અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે.
આ પણ વાંચોઃ Gandhinagar News: ગિફ્ટ સિટીમાં એક વર્ષમાં વિદેશી દારૂના વેચાણમાં 14 ગણો વધારો, બે વર્ષમાં 87 લાખની આવક