અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના પગલે પૂર્વ વિસ્તારના રબારી કોલોની, વસ્ત્રાલ અને સીટીએમ તેમજ એસ.જી. હાઈવે, બોડકદેવ, સેટેલાઈટ અને ઈસ્કોન સહિત શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરાસદની આ ધમાકેદાર બેટિંગના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં પાલડીની શાંતિકૃપા રેસિડન્સીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. શહેરમાં ભારે વરસાદને કારણે વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. 

અમદાવાદના દે ધનાધન

અમરાઈવાડી વિસ્તારમાં પણ પાણી ભરાયા

શહેરમાં વરસેલા ભારે વરસાદને કારણે અમરાઈવાડી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. ખાસ કરીને એપ્રિલપાર્ક મેટ્રો સ્ટેશન નજીક અને ત્યાંથી ગોમતીપુર તેમજ અમરાઈવાડી તરફ જવાના માર્ગો પર પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને અવાર-જવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.આ ઉપરાંત, ધોધમાર વરસાદના કારણે શહેરના રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગુજરાત કોલેજ અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જવા અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે ગરનાળામાં વાહનવ્યવહાર ખોરવાયો છે. જેને લઈને પીક અવર્સમાં ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો અને મનપાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે.

અમદાવાદનો વરસાદ

મીઠાખળી અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા

શહેરમાં પડેલા માત્ર 30 મિનિટના વરસાદમાં જ મીઠાખળી અંડરપાસમાં પણ પાણી ભરાઈ જતા તેને બંધ કરવાની ફરજ પડી છે. આસપાસના વિસ્તારોનું પાણી પણ અંડરપાસમાં છોડાતું હોવાને કારણે થોડા જ વરસાદમાં આ સ્થિતિ સર્જાય છે અને વાહનચાલકો માટે અંડરપાસ બંધ કરવો પડે છે. પાણી ભરાઈ જવાના કારણે પાલડીની શાંતિકૃપા રેસિડન્સીમાં તો ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેનાથી સામાન્ય જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે. શહેરમાં પરિમલ ગાર્ડન પાસે પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો પરેશાન થયાં છે. 
અમદાવાદ ડ્રાઈવિન

શહેરના રસ્તાઓ પાણીમાં થયા ગરકાવ

અમદાવાદમાં માત્ર એક જ કલાકના ધોધમાર વરસાદમાં શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતાં અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે, જેના કારણે ખારીકટ કેનાલ હોવા છતાં પાણીનો નિકાલ કેમ નથી થઈ રહ્યો અને નીચાણવાળા વિસ્તારોની આ કાયમી સમસ્યાનો ક્યારે ઉકેલ આવશે તેવા ગંભીર સવાલો સાથે AMCની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે અને તંત્રના મોટા દાવાઓ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

જનજીવન ગંભીર રીતે અસરગ્રસ્ત થયું

અમદાવાદના સુખરામનગર વિસ્તારમાં ભારે પાણી ભરાઈ જવાના કારણે મુખ્ય રોડ પર જનજીવન ગંભીર રીતે અસરગ્રસ્ત થયું છે, જેને લીધે વાહનચાલકોને અવર-જવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને સુરક્ષાના ભાગરૂપે કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને વહેલા રજા આપીને છોડી દેવામાં આવ્યા છે.થલતેજ વિસ્તારમાં પેલેડિયમ મોલથી થલતેજ વચ્ચેનો મુખ્ય રોડ પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે, જ્યાં ચોમાસાના પહેલા જ વરસાદમાં પાણી ભરાવાની આ કાયમી સમસ્યા વચ્ચે ટ્રાફિક પોલીસ પાણીની વચ્ચે રહીને ટ્રાફિક મેનેજ કરતી નજરે પડી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં ચોમાસાની શરૂઆત થતાં જ દર વખતે પાણી ભરાય છે, છતાં AMC દ્વારા પાણીના નિકાલ માટેની કોઈ જ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી.

આ પણ વાંચોઃ Gujarat Weather News : ગુજરાતીઓ આજે બપોરે 1 વાગ્યા સુધી સાવધાન, 18 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ