દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હવે મેઘરાજાએ અમદાવાદ શહેર તરફ પ્રયાણ કર્યું છે. આજે સવારથી જ અમદાવાદના આકાશમાં કાળાડિબાંગ વાદળોની જમાવટ વચ્ચે ધોધમાર વરસાદની ભવ્ય એન્ટ્રી થઈ છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ઝોનમાં એકસાથે શરૂ થયેલા આ અનરાધાર વરસાદથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ સાથે સાથે નીચાણવાળા માર્ગો પર જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ છે.
મેઘરાજાએ અમદાવાદ શહેર તરફ પ્રયાણ કર્યું
પશ્ચિમ અમદાવાદના પોશ ગણાતા વિસ્તારો જેવા કે વસ્ત્રાપુર, બોડકદેવ, બોપલ, આંબાવાડી, પાલડી અને નહેરુનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને વસ્ત્રાપુર સર્કલ પાસે મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત, શહેરની આર્થિક નસ ગણાતા એસ.જી. હાઇવે પર પણ ઠેર-ઠેર 2 થી 3 ફૂટ પાણી ફરી વળ્યા છે.
નીચાણવાળા માર્ગો પર જળબંબાકારની સ્થિતિ
એસ.જી. હાઇવે અને વસ્ત્રાપુર જેવા મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાના કારણે અનેક ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોના સાયલેન્સરમાં પાણી ઘૂસી જતાં વાહનો બંધ પડી ગયા હતા. સવારના સમયે ઓફિસ અને કોલેજે નીકળેલા નોકરિયાતો અને વિદ્યાર્થીઓ રસ્તા વચ્ચે જ અટવાઈ પડ્યા હતા, જેને કારણે મુખ્ય રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.
રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો
બીજી તરફ, પૂર્વ અમદાવાદના જમાલપુર સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. બોપલ વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીઓના મુખ્ય રસ્તાઓ અને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાણી ભરાવાના અહેવાલો સાંપડ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ની સ્ટેન્ડિંગ કમિટી અને ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા શહેરના જુદા જુદા અંડરપાસ અને સબ-વે પર નજર રાખવામાં આવી રહી છે તેમજ વોટર પમ્પિંગ સ્ટેશનો પૂર્ણ ક્ષમતાથી શરૂ કરી રસ્તાઓ પરથી પાણી ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:Dang Rain: વઘઈમાં 14 ઇંચ કરતાં વધુ વરસાદ, અંબિકા, પૂર્ણા અને ગીરા નદીમાં ઘોડાપૂર