રાજ્યમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદના પગલે સર્જાયેલી પૂર જેવી સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે. માત્ર બે કલાકમાં જ વિવિધ વિસ્તારોમાંથી 2575 લોકોને સલામત સ્થળે ખસેડી સફળ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ માઇક્રો-લેવલ કામગીરી જોવા મળી છે. ખાસ કરીને સુરત જિલ્લામાં સૌથી વધુ 1657 લોકોનું, નવસારીમાં 559 લોકોનું, ડાંગમાં 311 લોકોનું તેમજ તાપી જિલ્લામાં 48 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવાયા છે.
એક જ દિવસમાં કુલ 10891 લોકોને સ્થળાંતરિત કરાયા
હવામાન વિભાગની ભારે વરસાદની ચેતવણી વચ્ચે રાજ્યના 9 જેટલા સંવેદનશીલ જિલ્લાઓમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. રાહત અને બચાવ દળોની કામગીરીના પરિણામે એક જ દિવસમાં કુલ 10891 લોકોને અસરગ્રસ્ત વિસ્તારો અને નીચાણવાળા ભાગોમાંથી બચાવીને સલામત સ્થળે આશ્રય આપવામાં આવ્યો છે. તંત્ર, એનડીઆરએફ અને સ્થાનિક પ્રશાસન દ્વારા મુશ્કેલીમાં મુકાયેલા નાગરિકો સુધી ઝડપથી રાહત સામગ્રી અને સહાય પહોંચાડવા માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
