ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવવાની શક્યતાઓને આધારે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે રાત્રે 10 વાગ્યાથી લઈને મોડી રાત્રે 01 વાગ્યા સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.આ એલર્ટ દરમિયાન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે.વાવાઝોડા જેવા તેજ પવન અને કડાકા-ભડાકા સાથે થનારા આ વરસાદને પગલે તંત્ર દ્વારા સ્થાનિક નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
આ વિસ્તારોમાં વરસાદનું એલર્ટ અપાયું
હવામાન વિભાગે ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના સરહદી વિસ્તારોને એલર્ટ પર રાખ્યા છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પાટણ, મહેસાણા, અમરેલી, ભાવનગર, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા-નગર હવેલીનો સમાવેશ થાય છે. ખેડૂતોને પણ પોતાના પાકને સુરક્ષિત રાખવાની સૂચના આપવામાં આવી છે, તેમજ માર્ગો પરથી પસાર થતા વાહનચાલકોને તેજ પવનને કારણે સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.
