આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ત્યારે અસહ્ય ગરમી અને બફારા વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. શહેરના વસ્ત્રાપુર, સેટેલાઈટ, એસજી હાઈવે, ઈસ્કોન, ઘાટલોડિયા, ચાંદલોડિયા, પાલડી, આંબાવાડી વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. વરસાદ થવાથી લોકોને ગરમીમાં રાહતનો અનુભવ થયો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં ગરમીથી લોકોને રાહત થઈ છે. 

આજે ઠેર-ઠેર મેઘમહેર જોવા મળી

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થતાં આજે ઠેર-ઠેર મેઘમહેર જોવા મળી હતી.આજે સાંજે 6 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન રાજ્યના કુલ 85 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.આ વરસાદી માહોલમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે.વલસાડના વાપીમાં સૌથી વધુ 5.31 ઈંચ વરસાદ ખાબક્યો છે.જ્યારે જૂનાગઢના ભેંસાણમાં 4.31 ઈંચ અને વલસાડના ઉમરગામમાં 3.94 ઈંચ વરસાદ નોંધાયો છે.આ સિવાય જૂનાગઢના માળિયાહાટીનામાં 3.58 ઈંચ અને રાજકોટના લોધિકામાં 3.03 ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

રાજ્યના 5 તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

વરસાદના આ આંકડાઓ પર નજર કરીએ તો,રાજ્યના 5 તાલુકાઓમાં 3 ઈંચથી વધુ, 8 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ અને 29 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની સાર્વત્રિક હાજરી જોવા મળી છે, જેમાં છોટા ઉદેપુરના ક્વાંટમાં 2.2 ઈંચ, નવસારીના વાંસદામાં 2.05 ઈંચ અને અમરેલીના બગસરામાં 2.01 ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ પડ્યો છે. આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ Gujarat Weather: સાંજે 6 વાગ્યા સુધીમાં 85 તાલુકાઓમાં મેઘમહેર, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો