સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ સેન્ટર દ્વારા રાજ્ય માટે આગામી 3 કલાકનું અતિ મહત્વનું હવામાન બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. આ નવી આગાહી મુજબ રાજ્યના 13 જેટલા જિલ્લાઓમાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' આપવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, ભરૂચ ઉપરાંત દમણ અને દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે. આ સિવાય મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાવનગર, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી અને નર્મદા જિલ્લામાં પણ રેડ એલર્ટ જાહેર કરી અત્યંત સાવચેત રહેવા સૂચના અપાઈ છે.

અમદાવાદ-ગાંધીનગર સહિત 15 જિલ્લામાં ઓરેન્જ અને 7માં યલો એલર્ટ

રેડ એલર્ટ ઉપરાંત ડિઝાસ્ટર સેન્ટર દ્વારા રાજ્યના 15 જિલ્લાઓમાં ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને મહેસાણા જેવા મુખ્ય જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ સિવાય બનાસકાંઠા અને કચ્છ સહિત અન્ય 7 જિલ્લાઓમાં 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે. આમ, સમગ્ર ગુજરાતમાં આગામી કલાકોમાં મેઘરાજા આક્રમક મોડમાં રહે તેવી પૂરેપૂરી સંભાવના છે.

61 કિમીની ઝડપે તોફાની પવન અને વીજળી પડવાની શક્યતા

આગાહી મુજબ માત્ર વરસાદ જ નહીં પરંતુ તોફાની પવન અને વીજળીના કડાકા-ભડાકા પણ મુશ્કેલી વધારી શકે છે. માર્ગદર્શિકા અનુસાર કલાકના 61 કિલોમીટરની તીવ્ર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ ઔદ્યોગિક અને ગ્રામીણ વિસ્તારોમાં વીજળી પડવાની 30થી 60 ટકા જેટલી ઊંચી સંભાવના હોવાથી તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Monsoon 2026 : મોડાસામાં મેઘરાજાની તોફાની એન્ટ્રી, 15 મિનિટમાં દોઢ ઇંચ વરસાદથી માર્ગો જળબંબાકાર