અમદાવાદ શહેરમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં સ્થાનિક રહીશોની હાલાકીનો અંત આવ્યો નથી. શહેરના શેલા વિસ્તારમાં આવેલા VIP રોડ પર ગટરના ગંદા પાણી ફરી વળતાં ચારેય તરફ ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. છેલ્લા 10 દિવસથી આ મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈ સમારકામ ન કરાતાં લોકોમાં તંત્રની ઉદાસીનતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગટરના પાણીથી તીવ્ર દુર્ગંધ અને શેલા-ઘુમા રોડ પ્રભાવિત
રોડ પર સતત વહી રહેલા ગટરના ગંદા પાણીના કારણે સમગ્ર પંથકમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેના લીધે સ્થાનિકો અને વેપારીઓનું જીવવું હરામ થઈ ગયું છે. શેલા અને ઘુમાને જોડતો આ મુખ્ય માર્ગ જ સંપૂર્ણપણે પ્રભાવિત થતાં દરરોજ હજારો વાહનચાલકોને ગંદકીમાંથી પસાર થવું પડી રહ્યું છે. ગંદા પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સેવાઈ રહ્યો છે.
