અમદાવાદ જિલ્લાના વિરમગામ વિસ્તારમાં ભારે વરસાદના પગલે પૂર જેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. સતત વરસી રહેલા મૂશળધાર વરસાદને કારણે મુખ્ય હાઇવે પર વરસાદી પાણી પૂરની માફક વહી રહ્યા છે, જેના કારણે લાખો મુસાફરો અને વાહનચાલકો રસ્તા વચ્ચે જ અટવાઈ પડ્યા છે. પાણીના અત્યંત ભારે પ્રવાહના કારણે રોજિંદો વ્યવહાર પણ પ્રભાવિત થયો છે.
વધુ પડતા પાણીના પ્રવાહથી રસ્તો બંધ
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સાણંદથી વિરમગામ તરફ જતા મુખ્ય રસ્તા પર પાણીનો પ્રવાહ ખૂબ વધી જવાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે જોખમી બન્યો છે. કોઈપણ પ્રકારની મોટી જાનહાનિ કે દુર્ઘટના ન સર્જાય તે માટે સલામતીના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આ હાઇવે પર આવતી જતી તમામ અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
