અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા ગોતામાં ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં આવેલા જાણીતા વંદેમાતરમ્ સિટીની વિશાળ દીવાલ અચાનક ધરાશાયી થઈ જવાની ઘટના સામે આવી છે. ભારે પાણી ભરાવાના કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે.
વંદેમાતરમ્ સીટીની દીવાલ ધરાશાયી
ઘટનાની વિગતો મુજબ, વંદેમાતરમ્ સિટીની બાજુમાં આવેલી સોસાયટીમાં વરસાદી પાણીનો ભારે ભરાવો થયો હતો. પાણીના સતત દબાણ અને નબળા નિકાલના કારણે સોસાયટીની આસપાસની જમીન પોચી પડીને ધસી ગઈ હતી. જમીન બેસી જવાના આ પ્રવાહમાં કમ્પાઉન્ડની મજબૂત દીવાલ પણ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી.
