ગુજરાતમાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદના કારણે માર્ગ વાહનવ્યવહાર પર માઠી અસર પહોંચી છે. રાજ્યભરમાં નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાઈ જવા અને જમીન ધસી પડવાની ઘટનાઓને પગલે કુલ 94 જેટલા માર્ગો વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે. આ પરિસ્થિતિના કારણે અનેક વિસ્તારોનો સંપર્ક કપાઈ ગયો છે અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

અમદાવાદ-સુરેન્દ્રનગરમાં અનેક રસ્તાઓ બંધ

વરસાદી આફત વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં સ્થિતિ વધુ વણસી છે, જ્યાં 1 નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યના 8 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 74 જેટલા ગ્રામીણ માર્ગો પણ બંધ થઈ ગયા છે. જિલ્લાવાર આંકડા જોઈએ તો અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 40 માર્ગો, સુરેન્દ્રનગર જિલ્લામાં 9 માર્ગો તથા નવસારી જિલ્લામાં 8 માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર સંપૂર્ણ થંભી ગયો છે.

74 રસ્તાઓ બંધ થતાં ગ્રામીણ જનજીવન પ્રભાવિત

પંચાયત હસ્તકના 74 જેટલા રસ્તાઓ બંધ થઈ જવાથી ગ્રામીણ વિસ્તારોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક ગામડાઓનો તાલુકા મથક સાથેનો સંપર્ક તૂટી ગયો છે. પરિસ્થિતિને થાળે પાડવા અને રસ્તાઓ પરથી પાણી ઓસર્યા બાદ તાત્કાલિક સમારકામ હાથ ધરવા માટે સંબંધિત માર્ગ અને મકાન વિભાગની ટીમો સતર્ક કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : Surat News : કીર્તિ પટેલ પર લેન્ડ ગ્રેબિંગ હેઠળ કેસ, ACP કરશે તપાસ, મકાન માલિકને આપી હતી ધમકી...