સુરતમાં અવારનવાર વિવાદોમાં ઘેરાતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે વધુ એક ગંભીર ગુનો નોંધાયો છે. કીર્તિ પટેલે વર્ષ 2019 થી ડુંભાલ વિસ્તારમાં આવેલી 'કુશલ દર્શન વાટીકા'માં માસિક રૂપિયા 9,500 ના ભાડે ફ્લેટ રાખ્યો હતો. મકાનમાલિક મંજુલાબેન પટેલના જણાવ્યા મુજબ, તેણે ભાડાકરાર માટે ક્યારેય પુરાવા જમા કરાવ્યા ન હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ કીર્તિ પટેલે ભાડું આપવાનું બંધ કરી દીધું હતું અને "લાઈટબિલ હું ભરું છું, મકાન ખાલી નહીં કરું" તેમ કહી ફ્લેટ પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો.
મકાનમાલિકે પોલીસ ફરિયાદ નોંધાવી
મકાનમાલિકે જ્યારે પોતાનો ફ્લેટ ખાલી કરાવવાનો આગ્રહ કર્યો, ત્યારે કીર્તિ પટેલે જો તેઓ ફ્લેટ ખાલી કરાવવા આવશે તો તેમને જાનથી મારી નાખવાની સીધી ધમકી આપી હતી. કીર્તિ પટેલની આ ધમકીથી ગભરાયેલા મકાનમાલિક મંજુલાબેને આખરે સુરત પોલીસના દ્વાર ખટખટાવ્યા હતા. તેમણે કીર્તિ પટેલ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે મિલકત પચાવી પાડવા અને ધમકી આપવા બદલ પુણા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.
