વિરમગામના નળકાંઠા પંથકમાં પૂરની પરિસ્થિતિ હજુ પણ યથાવત અને વિકટ બનેલી છે. છેલ્લા ચાર દિવસથી નાની કિશોલ ગામ આખેઆખું જળમગ્ન થઈ ગયું છે, જેના કારણે સ્થાનિકોની મુશ્કેલીઓનો કોઈ પાર રહ્યો નથી. ગામને જોડતો મુખ્ય રસ્તો તૂટી જતાં સંપર્ક કપાઈ ગયો છે. પરિણામે, નાનામાં નાના કામ માટે પણ ગ્રામજનોએ 20 કિલોમીટર જેટલો લાંબો ચક્રાવો ફરીને જવાની મજબૂરી ઊભી થઈ છે.

થુલેટા ડેમ તૂટતા ખેતરો દરિયામાં ફેરવાયા

પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે ઉપરવાસના પાણીના ભારે પ્રવાહને કારણે થુલેટા ડેમ તૂટ્યો. ડેમ તૂટવાના કારણે લાખો ગેલન પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા છે, જેનાથી ઊભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સમગ્ર વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડે છે. તાજેતરમાં સામે આવેલા ગામની ગંભીર સ્થિતિના આકાશી દ્રશ્યો (ડ્રોન વિઝ્યુઅલ્સ) જળબંબાકારની દહેશતની ચાડી ખાઈ રહ્યા છે.

https://twitter.com/sandeshnews/status/2082701707998560437

કાયમી ઉકેલ માટે 'નાળું' બનાવવાની ઉગ્ર માંગ

આવી આફતના સમયે ગ્રામજનો વહીવટી તંત્ર સામે મદદની ગુહાર લગાવી રહ્યા છે. ભવિષ્યમાં આવી સ્થિતિમાંથી ઉગારવા માટે નાની કિશોલથી ઉપરદળ જતા રસ્તા પર સત્વરે નવું નાળું બનાવવામાં આવે તેવી લોક માંગણી બુલંદ બની છે. હાલ તો ગ્રામજનો રાહત અને બચાવ કાર્યની આશા સાથે પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે, જ્યારે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.


આ પણ વાંચો : Monsoon 2026 : ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય થતાં મેઘતાંડવની ભીતિ, આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી