ભારતીય હવામાન વિભાગ (IMD) ની સત્તાવાર જાહેરાત અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વાપસીની પ્રક્રિયા દેશમાં શરૂ થઈ ચૂકી છે. સામાન્ય રીતે દેશમાં ચોમાસાની વિદાયની તારીખ 17 સપ્ટેમ્બર ગણાય છે, પરંતુ આ વર્ષે બે દિવસના વિલંબ બાદ 19 સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લેવાનું શરૂ કર્યું છે. હાલમાં ચોમાસાની વાપસી રેખા (Line of Withdrawal) રામગઢ, મોહનગઢ, ફલોદી અને ખજુવાલા પરથી પસાર થઈ રહી છે, જે દર્શાવે છે કે ઉત્તર-પશ્ચિમ ભારતમાં હવે વાતાવરણ ધીમે ધીમે શુષ્ક બનવા તરફ જઈ રહ્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાંથી આગામી 3-4 દિવસમાં વિદાયની શક્યતા
ચોમાસાની વાપસી આગળ વધવા માટે હાલ વાતાવરણ સંપૂર્ણપણે સાનુકૂળ બન્યું છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આગામી 3 થી 4 દિવસ દરમિયાન રાજસ્થાનના બાકીના વિસ્તારો ઉપરાંત પંજાબ તેમજ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાંથી પણ ચોમાસું વિદાય લે તેવી પૂરેપૂરી શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસું પાછું ખેંચાવાની પ્રક્રિયા શરૂ થતાં જ રાજ્યમાં વરસાદી વાતાવરણ શાંત પડશે અને ભેજનું પ્રમાણ ઘટવા લાગશે.
