રાજ્યમાં ચાલુ મોસમ દરમિયાન વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો કુલ સરેરાશ વરસાદ 88.84 ટકા નોંધાયો છે.એક તરફ દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં ભારે વરસાદથી સારી સ્થિતિ છે જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને કચ્છ ઝોનમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાતા આગામી સમયમાં ખેતી અને પાણીની તંગીને લઈને સ્થિતિ ચિંતાજનક બની શકે છે.હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં મેઘરાજા વિદાય લેતા પહેલા ફરી એકવાર ધમાકેદાર જમાવટ બોલાવશે. જેના ભાગરૂપે આજે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક અને ભારે વરસાદ પડવાની સંભાવના છે.બીજી તરફ ચોમાસાની વિદાયને લઈને પણ મહત્વનું અપડેટ સામે આવ્યું છે.
ચોમાસાની વિદાય લેવાની પ્રક્રિયા હાલમાં પૂરઝડપે ચાલી રહી છે
દેશભરમાંથી ચોમાસાની વિદાય લેવાની પ્રક્રિયા હાલમાં પૂરઝડપે ચાલી રહી છે.જેની અસર ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં જોવા મળી રહી છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ,રાજસ્થાન, પંજાબ અને હરિયાણા જેવા મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસું સંપૂર્ણપણે વિદાય લઈ ચૂક્યું છે અને ત્યાં હવે સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે.આ ક્રમમાં હવે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાંથી પણ ચોમાસાએ વિદાયની શરૂઆત કરી દીધી છે. ગુજરાત રાજ્યમાં પણ મોસમી હલચલ બદલાતી દેખાઈ રહી છે અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. દેશના અન્ય ભાગોમાંથી પણ ચોમાસું વિદાય લેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ
ગુજરાતમાં ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ જોઈએ તો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ 113.87 ટકા વરસાદ નોંધાયો છે જે સામાન્ય કરતાં સૌથી વધુ છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં કુલ સરેરાશ 89.66% વરસાદ વરસ્યો છે.સૌરાષ્ટ્રમાં કુલ સરેરાશ 70.49% વરસાદ નોંધાયો છે.ઉત્તર ગુજરાતમાં સરેરાશ 71.04% વરસાદ થયો છે. કચ્છમાં સૌથી ઓછો એટલે કે સરેરાશ 57.60% વરસાદ નોંધાયો છે.ઓછો વરસાદ નોંધાયો છે તેવા વિસ્તારો જેવા કે દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છના કેટલાક તાલુકાઓમાં પાકને પૂરતું પાણી ન મળવાને કારણે ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની સંભાવના છે.
રાજ્યના ડેમમાં જળ સંગ્રહની ઝોન વાઈઝ સ્થિતિ
ગુજરાતના કુલ 207 ડેમો અને જળાશયોમાં પાણીની કુલ સંગ્રહ શક્તિ 25257.56 MCM છે.જેની સામે હાલમાં 20,654.56 MCM પાણી ઉપલબ્ધ છે.પ્રાદેશિક સ્તરે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 84.86% અને ઉત્તર ગુજરાતમાં 46.67% પાણીનો સંગ્રહ થયો છે.કચ્છમાં 31.35% અને સૌરાષ્ટ્રમાં 51.61% જળસંગ્રહ નોંધાયો છે. નર્મદા ડેમની કુલ જળસંગ્રહ ક્ષમતા 9460 MCM છે જેમાં હાલ 98.77 ટકા પાણી સંગ્રહિત છે.રાજ્યના કુલ 207 ડેમોમાંથી 32 ડેમો સંપૂર્ણપણે 100% ભરાઈ ગયા છે.દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 8 ડેમો સંપૂર્ણ ભરાયેલા છે.જ્યારે સૌરાષ્ટ્રમાં 18 અને ઉત્તર ગુજરાતમાં 2 ડેમો સંપૂર્ણ ભરાયા છે.રાજ્યમાં 47 ડેમ હાઈ એલર્ટ, 11 ડેમ એલર્ટ અને 12 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં 20 દિવસમાં ડેન્ગ્યૂએ કહેર મચાવ્યો, જાણો કયા વોર્ડમાં છે સૌથી વધુ કેસ