ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. અલનીનોની અસરને કારણે વરસાદની ખેંચ જોવા મળી છે. વરસાદની વિદાય વચ્ચે રાજ્યમાં તાપમાનનો પારો પણ ઊંચકાયો છે.ચાલુ વર્ષે ભાદરવો મહિનો ખૂબ જ આકરો સાબિત થઈ રહ્યો છે અને લોકોને ઉનાળા જેવી આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.હવામાન વિભાગના અનુમાન મુજબ હાલ મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે.જેની પાછળ હાલ સક્રિય થયેલું વેલમાર્ક લો પ્રેશર જવાબદાર છે.
રાજ્યમાંથી ચોમાસાની વિદાય થઈ રહી છે
ગરમીની આ તીવ્ર અસર વચ્ચે હવે રાજ્યમાંથી ચોમાસાની વિદાય થઈ રહી છે. કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતાઓ હજુ યથાવત છે. બીજી તરફ ગૂગલના તાપમાનનો ડેટા જોઈએ તો, બપોરના સમયે ભુજ અને વડોદરામાં મહત્તમ તાપમાન 34°C સુધી પહોંચવાની સંભાવના છે.મોડી રાત્રે રાજકોટમાં તાપમાન ગગડીને 24°C જેટલું નીચું જતાં વાતાવરણમાં ઠંડક અનુભવાશે.સમગ્ર ગુજરાતમાં આજે સામાન્ય રીતે આકાશ મુખ્યત્વે સાફ અને સુકુ રહેશે.

આગામી સાત દિવસ માત્ર હળવા વરસાદની શકયતા
હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિન મુજબ,રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી છે.આજે 28 અને 29 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના મુખ્ય જિલ્લાઓ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે બાકીના વિસ્તારોમાં ડ્રાય વેધર રહેવાની શક્યતા છે.30 સપ્ટેમ્બરથી 03 ઓક્ટોબર સુધી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, વાવ-થરાદ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તથા કચ્છ અને મોરબી, જામનગર, દ્વારકા જેવા કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી નથી કરી
હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદ કે વાવાઝોડા અંગેની કોઈપણ પ્રકારની ચેતવણી જારી કરી નથી.અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેવાની સંભાવના છે.ચાલુ સિઝનનો રાજ્યમાં સરેરાશ 89.16% વરસાદ નોંધાયો છે. ઓછા વરસાદને કારણે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી પાકને ભારે નુકસાનની ભીતિ જોવા મળી છે. હવે રાજ્યમાં જળાશયોમાં પણ પાણીનો જથ્થો ખૂબ ઓછો હોવાનું સામે આવ્યું છે. નર્મદાના નીર જ ખેતીને બચાવી શકશે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 114.23% વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં 89.67% અને સૌરાષ્ટ્રમાં 71.29% સરેરાશ વરસાદ નોંધાયો છે.ઉત્તર ગુજરાતમાં 71.04% અને કચ્છ ઝોનમાં સૌથી ઓછો એટલે કે 57.60% વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં 9 મેટ્રો સ્ટેશન ખાતે વાહન પાર્કિંગ ઉભા કરાશે, છ હજારથી વધુ વાહનો પાર્ક થશે