ગુજરાતમાં ચોમાસાએ પ્રવેશ કર્યો હોય તેવી સ્થિતિ જોવા મળી છે. આજે સાંજ સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગે આગામી 2 થી 3 કલાક માટે રાજ્યના 16 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી ભારે વરસાદ અને પવન ફૂંકાવાની આગાહી કરી છે. રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 9 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.જેમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે.
16 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં નર્મદા જિલ્લાના સાગબારામાં 3.35 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત ડાંગ જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. ડાંગના સુબિરમાં 2.13 ઇંચ, ડાંગ તાલુકામાં 1.81 ઇંચ અને વઘઈમાં 0.79 ઇંચ વરસાદ નોંધાયો છે.તાપીના ઉચ્છલમાં પણ 0.55 ઇંચ વરસાદ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગે આગામી 2 થી 3 કલાકની સ્થિતિને ધ્યાનમાં રાખીને 16 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.જેમાં ભાવનગર, બોટાદ,રાજકોટ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ,તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.













